મોરબી-

મોરબી સામા કાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા પરિવાર ઉપર થોડા દિવસો પહેલા ચાર શખ્સે હુમલો કર્યો હતો. મેમરી કાર્ડ વેચાતુ લઈ લેવાની વાતમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજા પામેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસે નાસતા ફરતા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પૂરા થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા ગોગન વિરજીભાઈ વાઘેલાના ઘરે ગત 13 નવેમ્બરના રોજ હુમલો થયો હતો. રસિક દેવભાઈ સરોલા સહિત ચાર શખ્સે હુમલો કર્યો હતો. હુમલાખોરે ગોગનભાઈ, તેના પત્ની તેમ જ દીકરાને લોખંડના પાઈપ અને એંગલ વડે માર માર્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને શારદાબેનની ફરિયાદ લઈને તે સમયે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ગોગન વિરજીભાઇ વાઘેલાનું મોત થયું હતું. પોલીસે આરોપી રસિક દેવાભાઈ સરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં હત્યાના આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી મુકેશ રસિક સરોલા (21), સુરેશ ઉર્ફે સુરિયો કિશોરભાઈ ચરોલિયા (22) અને હરેશ ઉર્ફે ઉગો દેવશીભાઈ (30)ની પણ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણેય આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તે પૂરા થતા તમામમાં આરોપીને જેલ હવાલે કરાયા છે.