વડોદરા, તા.૧૭
ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે છ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ નીકળ્યું છે. વડોદરા પોલીસ માટે શરમજનક ફતેગંજ પોલીસ મથકમાં બનેલા ચકચારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પીઆઈ, પીએસઆઈ, અને ચાર પોલીસ કોન્સ્ટેબલોને પોલીસની ટીમ ૧૦ દિવસ સુધી શોધી નહીં શકતાં આરોપીઓને નાસતા-ભાગતા જાહેર કરી એમની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરાશે એમ તપાસ અધિકારીએ જણાવ્યું છે. ગત તા.૧૦મી ડિસેમ્બરે ફતેગંજ પોલીસ મથકે પૂછપરછ માટે લવાયેલા શેખ બાબુની પોલીસ મથકમાં જ હત્યા નિપજાવી એમના મૃતદેહને સગેવગે કરી દેવાના મામલામાં પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો વિરુદ્ધ સાપરાધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ આ છએ છ આરોપીઓ ભાગી છૂટયા હતા અને ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિતની અન્ય ત્રણ ટીમો મળી કુલ છ ટીમો આરોપીઓને શોધવા છેલ્લા ૮ દિવસથી જુદી જુદી જગ્યાઓએ તપાસ કરી ચૂકી છે તેમ છતાં આરોપીઓ ઝડપાયા નહોતા. તપાસ અધિકારી એસીપી બકુલ ચૌધરીના જણાવ્યા મુજબ આરોપીઓ શોધખોળ કરવા છતાં મળી આવતાં નહીં હોવાથી અત્રેની અદાલતમાંથી દરેકની વિરુદ્ધ સીઆરપીસી ૭૦ મુજબની કાર્યવાહી માટે વોરંટ મેળવાયું છે. સીઆરપીસી ૭૦ના વોરંટ બાદ પણ જાે આરોપીઓ હાજર નહીં થાય તો સીઆરપીસી ૮૨ મુજબ ભાગેડું જાહેર કરવામાં આવશે. પછી પણ હાજર નહીં થાય તો સીઆરપીસી ૮૩ હેઠળ આરોપીઓની મિલકતો જપ્તી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના આધારે પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનોને નાસતા-ફરતા જાહેર કરવામાં આવશે, સાથે સાથે એમની મિલકતો જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવશે. ફતેગંજ પીઆઈ, પીએસઆઈ અને ચાર જવાનોના ફોટા સાથેના પોસ્ટરો જેમાં એમને આચરેલા ગુનાની વિગતો સહિત શહેર અને રાજ્યના જાહેર સ્થળો જેવા કે પોલીસ મથકો, સરકારી કચેરીઓ, એસટી ડેપો, રેલવે સ્ટેશન ઉપર ચોંટાડવામાં આવશે જેમાં એમના નામ પિતાનું નામ અને અટક પણ જાેવા મળશે. પોલીસના જણાવ્યા મુજબ ફતેગંજના બધા જ છ આરોપીઓ ભાગતા ફરતા હોવાથી એમની મિલકતોની વિગતો પણ મેળવાઈ રહી છે. ત્યાર બાદ એ મિલકતો જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરિણામે આ આરોપી પોલીસ કર્મચારીઓ માટે હવે લાંબા સમય સુધી કાયદાથી ભાગવું શક્ય નહીં બને એમ જાણકારોનું માનવું છે.
વોન્ટેડ આરોપીઓના ફોટાઓના પોસ્ટર જાહેર સ્થળો ઉપર લાગશે
અત્યાર સુધી વોન્ટેડ આરોપીઓના ફોટાઓના પોસ્ટર જાહેર સ્થળો ઉપર લાગતા હતા જેમાં ખૂનખાર અને ડરાવતા ચહેરા નજરે પડતા હતા પરંતુ રાજ્યમાં પ્રથમવાર વોન્ટેડ આરોપીઓના પોસ્ટરમાં એક પીઆઈ, એક પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોના ફોટા, નામ, અટક અને ગુનાની વિગતો હશે જે રાજ્યમાં સૌ પ્રથમવાર એક સાથે છ આરોપી પોલીસ કર્મચારીઓના પોસ્ટરો હશે એમ જાણકારો જણાવી રહ્યા છે.
Comments