વડોદરા,તા. ૯ 

રાજ્યભરમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા આજથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસે આજે સવારથી વિવિધ ટ્રાફિક પોઇન્ટો પર હેલ્મેટ ન પહેરનારને નવા કાયદા મુજબ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનું શરુ કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસકર્મીઓ અને બાઇક ચાલકો વચ્ચે તું-તું મેં-મે જોવા મળ્યું હતું. તો કેટલાક બાઇક ચાલકો પોલીસને જોઇને ભાગ્યા હતા. છેવટે પોલીસે તેમને પકડીને દંડ ફટકાર્યો હતો. આજના દિવસે પોલીસ દ્વારા કુલ ૨૮૫ કેસો નોંધીને ૧.૪૨ લાખથી વધુનો દંડ વસુલ કર્યો હતો.

વડોદરા શહેરમાં આ પહેલા થયેલી ફરજીયાત હેલ્મેટની ડ્રાઇવ દરમિયાન પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બની ચૂક્યા છે, ત્યારે આ વખતે પણ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઇ રહ્યા છે.

વડોદરા શહેરમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના કાયદાના કડક અમલ માટે શરૂ થયેલી પોલીસની ડ્રાઇવ દરમિયાન આજે પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે વહેલી સવારથી શહેરના મોટાભાગના ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં જુદા જુદા વિસ્તારોમાં વગર હેલ્મેટે વાહન ચલાવી રહેલા કુલ ૨૮૫ વાહનચાલકોને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧,૪૨,૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.

જાહેરનામા ભંગ બદલ ૬૮ લોકો પાસેથી ૬૮ હજારનો દંડ વસુલ

કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જાહેરમાં માસ્ક વગર ફરવા ઉપર તેમજ જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાહેરનામું લાગુ હોવા છતાં રોજ સેંકડો લોકો તેનો ભંગ કરતા હોય છે. જેના કારણે પોલીસ દ્વારા આ પ્રકારના લોકોને પકડવામાં આવતા હોય છે અને જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવતો હોય છે. આજે પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળો પરથી કુલ ૬૮ લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૬૮ હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.