મહેસાણા,તા.૪ 

મહેસાણા જિલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમે રવિવારે રાત્રે મોટપ ચોકડી નજીકથી ગેરકાયદે સાદી માટીની હેરાફેરી કરતી ૩ ટ્રકોને ઝડપી લીધી હતી. આ મામલે ખાણ-ખનિજ વિભાગે ટ્રકો ડિટેઇન કરી રૂ.૬ થી ૭ લાખના દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાપાયે સાદી માટીની હેરાફેરી થઇ રહી છે.

મહેસાણા ખાણ-ખનિજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટીમ રવિવારે મોડી રાત્રે મોટપ ચોકડી નજીક ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ત્યાંથી સાદી માટી ભરીને પસાર થઇ રહેલી ૩ ટ્રકોને રોકી જરૂરી રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ સહિતના પુરાવા માંગવામાં આવ્યા હતા.માટી લઇને જતી આ ત્રણેય ટ્રકના ચાલકો કોઇ પુરાવા રજૂ ન કરી શકતાં ટીમે બિન અધિકૃત રીતે માટી લઇ જતાં હોવાનું જણાયું હતું. જેથી ટીમે ત્રણેય ટ્રકોનું વજન કરાવતાં ટ્રક નંબર -૦૮-રૂ-૯૮૩૭માંથી ૨૭.૨૮૦ મેટ્રીક ટનમાંથી ૨૦.૫૭૦ મેટ્રીક ટન અને ઇત્ન-૩૭-૧૭૫૧ માંથી ૨૬.૮૧૦ મેટ્રીક ટન સાદી માટી ભરવામાં આવી હતી. આ ટ્રકો ડિટેઇન કરી કલેક્ટર કમ્પાઉન્ડમાં લાવવામાં આવી હતી.ત્રણેય ટ્રકચાલકોની વધુ પૂછપરછમાં આ ત્રણેય ટ્રક મોટપ- બહુચરાજી હાઇવેથી સાદી માટી જગુદણ રેલવે લાઇનમાં લઇ જતા હોવાનું બહાર આવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગે રૂ. ૬થી ૭ લાખનો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા ખાણ ખનિજ વિભાગની ઓચિંતી કામગીરીથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા બેરોકટોક વિવિધ ખનીજોની ખુલ્લેઆમ પ્રવૃતિઓ થઇ રહી છે. દરમિયાનમાં એકાએક સફાળા જાગેલા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામેપણ અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે.