વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં રોજબરોજ કોરોનાનો કહેર ઘટી રહ્યો છે જેના પરિણામે આજે ૯૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, તેની સામે આજે ૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવેલ કુલ સંખ્યા ૧૪,૫૩૦ થઈ હતી, જ્યારે ડેથ ઓડિટ કમિટીએ આજે કોરોનામાં મોત ન થયાનું જાહેર કરતાં મૃત્યુઆંક ૨૧૪ પર યથાવત્‌ રહ્યો હતો. કોરોનાના ૯૦ કેસો નોંધાતાં કુલ સંખ્યા ૧૫,૮૧૩ થઈ હતી. શહેર-જિલ્લામાં વિતેલા કલાકોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૩૧૦૧ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૩૦૧૧ વ્યક્તિઓના કોરોનાના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ ૪૦ દર્દીઓમાં ૩ દર્દીઓને સરકારી, ર દર્દીઓને ખાનગી અને ૩૫ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦૬૯ દર્દીઓમાં ૧૫૪ દર્દીઓ ઓક્સિજન પર, ૪૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ હોવાનું અને ૮૬૭ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વારસિયા, સુભાનપુરા, મકરપુરા, વીઆઈપી રોડ, કારેલીબાગ, છાણી, ગોત્રી, ગોરવા, વડસર, ફતેગંજ, વાઘોડિયા રોડ, માંજલપુર, આજવા રોડ, વાસણા-ભાયલી રોડ, દંતેશ્વર, માણેજા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના ડભોઈ, સાવલી, કરજણ, પોર, ભાયલી, કોયલી, પાદરા, વાઘોડિયા સહિતના વિસ્તારોમાંથી ૩૧૦૧ જેટલા કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૦૧૧ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૯૦ પોઝિટિવ કેસો આવ્યા હતા. આજે આવેલા ૯૦ પોઝિટિવ કેસોમાં વડોદરા ગ્રામ્યમાંથી ૩૮ કોરોનાના નોંધાયા હતા, જ્યારે શહેરના ચાર ઝોનમાંથી પશ્ચિમ ઝોનમાં ૧૪, ઉત્તર ઝોનમાં ૧૪, દક્ષિણ ઝોનમાં ૧૦, પૂર્વ ઝોનમાં સૌથી ઓછા ૧૩ કેસો નોંધાયા હતા.