રાજકોટ,રાજકોટ શહેરમાં બુધવારના રોજ બપોર સુધીમાં ૨૦૧ કેસ નોંધાયા છે. જેને પગલે બુધવારે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીના સંચાલકો સાથે રિવ્યુ બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલ આરટી-પીસીઆર અને એન્ટીજન ૩૫૦૦ જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે જે વધારીને ૬૦૦૦ ટેસ્ટ કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષકને આદેશ કરવામાં આવેલ હતો.શહેરમાં કોરોના જ્વાળામુખીની જેમ ફાટ્યો હોય તેમ એક પછી એક સંક્રમિતોની સંખ્યા દીવસ દરમિયાન વધુ રહી છે.

જ્યાં આજે રાજકોટ એસ.એમ.ધાધલ પરિવારના પાંચ સભ્યો સાથે કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટ થયાં છે.આ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જાેલાપરા પણ કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત લથડી છે.અત્યંત શરદી-ઉધરસના કારણે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. જેનું પરિણામ સાંજે આવશે.ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૧૩૩૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

બીજી લહેર પીક પર હતી ત્યારે પણ ૨૦ એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધુ ૭૬૪ પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે. રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે ગોંડલમાં ૩૭, જેતપુરમાં ૩૬, ધોરાજીમાં ૧૬, ઉપલેટામાં ૧૫ , રાજકોટ તાલુકામાં ૬, લોધીકા-જામકંડોરણામાં ૩, કોટડાસાંગાણીમાં બે વર્ષની બાળકી સહિત ૪ કેસ નોંધાયા છે.

જ્યારે -જસદણમાં ૪ અને પડધરીમાં ૧ કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં ૭૭૭ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫૩ સંક્રમિતો નોંધાઇ ચુકયા છે.રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન ૩૭૪૦૯ ટેસ્ટ કરાયા હતા અને તેમાં ૪૦૧૬ પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ ૧૦ ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર ૧૦ ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે પણ મંગળવારે જે કેસ જાહેર થયા છે તેમાં ૪૫૦૦ ટેસ્ટમાંથી ૧૩૩૬ વ્યક્તિ પોઝિટિવ નીકળ્યા છે જે ૨૯ ટકા કરતા વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. સરળભાષામાં દર ૧૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિ પોઝિટિવ નીકળે છે અને દર ત્રીજાે વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે પણ ટેસ્ટની સંખ્યા વધારાતી નથી. રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું.

સાંસદ પૂનમ માડમ અને જિ.પં. પ્રમુખ ધરમશી ચનિયારા પણ કોરોનાની ઝપેટે

જામનગર જામનગરમાં નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇકાલે જામનગરના પૂર્વ મેયર કોરોના સંક્રમિત થયા બાદ જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના પોઝીટીવ આવ્યાનું તેઓએ જાતે સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું છે.જામનગરમાં જાહેર જીવન સાથે જાેડાયેલા નેતાઓને પણ કોરોનાનું સંક્રમણ થવાની ઘટના સતત બની રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહના પત્ની અને પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લાબા જાડેજા, પુત્ર અને યુવા રાજપુત સમાજના અગ્રણી જગદીશસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા હતાં. આ પછી ગઇકાલે જામનગરના પૂર્વ મેયર અને ભાજપના અગ્રણી ડો.અવિનાશ ભટ્ટ કોરોના સંક્રમિત નોંધાયા હતાં.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે આજે સોશ્યલ મીડિયામાં (પોતાના ટ્‌વીટર એકાઉન્ટમાં) જાહેરાત કરી હતી કે, તેઓએ કરાવેલ કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે અને તેઓની તબિયત હાલ સ્થિર હોવાથી હોમઆઇસોલેટ થયા છે.ગત્‌ સપ્તાહમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં સાંસદ પૂનમબેન આમંત્રિત સભ્ય તરીક ખાસ હાજર રહ્યાં હતાં. આ પછી ગણતરીના કલાકોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા કોરોના પોઝીટીવ આવ્યા હતાં. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય વિનોદભાઇ વાદોડરિયા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતાં.છેલ્લા બે દિવસથી પૂનમબેનની તબિયત સામાન્ય ન હોવાથી તેઓને કોરોનાના આંશિક લક્ષણ હોવાની શંકા જતાં તેઓએ જાેતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેવી જાહેરાત તેઓએ જાતે ટ્‌વીટ કરીને કરી છે.