12, જુલાઈ 2025
2277 |
સુરત, સુરત શહેરમાં ખાસ કરીને લિંબાયત ઝોન વિસ્તાર તથા ઉધના ઝોન વિસ્તાર, કતારગામ, સચિનમાં ગેરકાયદેસર તપેલા ડાઈંગ ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે. મહાનગર પાલિકા દ્વારા અવારનવાર આવા તપેલા ડાઇંગ ચલાવતા લોકોને નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લિંબાયત ઝોન દ્વારા આવા તપેલા ડાઇંગ ચલાવતા યુનિટો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી હતી અને ૩૭ જેટલી તપેલા ડાઇંગ સીલ કરી દેવામાં આવી છે જેના કારણે ગેરકાયદે તપેલા ડાઈંગ અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લિંબાયત ઝોનમાં ડુંભાલ વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર, ગોવિંદ નગર, મંગલા પાર્ક, રતનજી નગર, સરદાર નગર, એસ.કે નગર સહિતની સોસાયટીઓમાં અનેક ગેરકાયદેસર તપેલા ડાઇંગ આવેલા છે. જેમાં કાપડના પ્રોસેસિંગ માટે કેમિકલનો વપરાશ કરવામાં આવે છે. આ કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં નિકાલ કરવામાં આવે છે. કેમિકલ યુક્ત પાણી તાપી નદી અને ખાડીમાં છોડતા હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી પાલિકા દ્વારા આવી તપેલા ડાઇંગ યુનિટ ચલાવતા સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી હતી અને અવારનવાર મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ તેઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને ખાડીમાં ગેરકાયદે જાેડાણ કરી કેમિકલ યુક્ત પાણીનો નિકાલ ચાલુ રાખ્યો હતો. જેથી લીંબાયત ઝોનની ટીમ દ્વારા આજે આ તમામ વિસ્તારમાં આવેલ કુલ ૩૭ જેટલા તપેલા ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસ યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. જેથી ગેરકાયદે તપેલા ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.