સુરત-

કોરોના વેરિએન્ટ હવે રાજ્યની લેબમાં જ જાણી શકાય આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાના વેરિએન્ટ જાણવા માટે પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવતા હતા. પરંતુ સુરતમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં કોરોના વેરિયન્ટ અંગેની તમામ જાણકારી મળી જશે. ગાંધીનગરથી પરવાનગી મળી છે. અને લેબમાં મશીન પણ ઉપલબ્ધ છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ ગુજરાત બહાર મોકલવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થઈ રહે આ માટે આ મશીન અગત્યની ભૂમિકા ભજવશે. માત્ર 7 દિવસની અંદર જાણી શકાશે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે. આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. આ કીટની કિંમત લાખોમાં હોય છે. પરવાનગી મળ્યા પછી ટૂંક સમયમાં સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં વેરિએન્ટની તપાસ આ મશીન દ્વારા કરવામાં આવશે. જો કે રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મશીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લેબ ખાતે મૂકવામાં આવ્યું છે. આ લેબને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી પણ આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં માત્ર બે જ લેબ હાલ કાર્યરત છે, જે પૈકી એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ મૂકી શકાય છે અને 7 દિવસમાં તમામ પ્રક્રિયા થકી કોરોનાનો કયો વેરિયન્ટ છે તે જાણી શકાય છે.