ભરૂચ -

ભરૂચમાં છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જંબુસર રોડ પર આઠથી દસ જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાઇ થયા હતા. સ્ટેટ હાઈવે ની ટીમે તાબડતોબ જેસીબી સહિતના સાધનો કામે લગાવી રોડ પર પડેલા વૃક્ષો ને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચના ટંકારીયા ખાતે ગામ તળાવ ઉભરાતા તેના પાણી ગામના પાદરમાં ફરી વળતા સરોવર જેવો માહોલ ઉભો થયો હતો. જેમાં ઘણા ઝૂંપડાવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભરૂચની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં ફરી એક વખત પાલિકાએ પુરેલા રોડ પરના ગાબડા ધોવાઈ જતા રસ્તાઓ ફરી ઉબડ ખાબડ બન્યા છે. અન્ય તાલુકાઓમાં જોઈએ તો વાગરામાં ૨.૫ ઇંચ, નેત્રંગ-હાંસોટ અને ઝઘડિયામાં ૨ ઇંચ, વાલિયા માં ૧.૫ ઇંચ અને આમોદમાં ૯ મિમી જ્યારે જંબુસરમાં ૮ મિમી વરસાદ નોંધાયો હતો.

કોવિડ સ્મશાનમાં મૃતકોના અગ્નિસંસ્કારમાં મુશ્કેલી 

ધોધમાર વરસાદમાં કોવિડ સ્મશાનની મુશ્કેલીઓમાં પણ વધારો ઉભો થયો છે. તંત્રએ માત્ર નાનકડો એક પતરાનો શેડ ઉભો કરી ત્યાં કોવિડ સ્મશાન ઉભું કર્યું છે. ભારે વરસાદમાં પતરાના શેડમાંથી પાણી ટપકે છે. સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીના કહેવા મુજબ તંત્રએ વ્યવસ્થિત શેડ નથી બનાવી આપ્યો એટલે ચિતા કયા બનાવવી તે જ પ્રશ્ન ઉભો થાય છે. બીજી બાજુ લાકડા પણ વરસાદના કારણે ભીના થઈ જતા બરાબર સળગતા નથી. હવે અમે કરીએ તો શું કરીએ તેમ કહી ફરી એક વખત તેમણે તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

ટંકારીયા ગામે તળાવ છલકાતાં ગામમાં પાણી ઘુસ્યા

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થતા વરસાદી પાણી ગામની ભાગોળમાં પણ પ્રવેશતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા હતા. વિદાય લઈ રહેલા ચોમાસાએ યુ ટર્ન લેતા છેલ્લા ચાર દિવસથી પાલેજ પંથકમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે પુનઃ જળબંબાકારના દ્ર્‌શ્યો સર્જાયા છે. ગામના પ્રવેશદ્વાર, સ્મશાન તેમજ ગામની ભાગોરમાં મેઘમલ્હાર થતાં ચોતરફ પાણી ભરાયા હતા. ચાર દિવસથી રોજ રાત્રીના સમયે ખાબકી રહેલા ભારે વરસાદને પગલે ખેતરો જળબંબાકાર બની ગયા હતા.