પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં શનિવારે મેઘરાજની મહેર જોવા મળી હતી. વડગામના જલોત્રામાં ૧૨ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ તો વડગામ તેમજ ભાભરમાં ૧ કલાકના વરસાદી ઝાપટામાં જ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો પાલનપુરમાં ૧ કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તાર સહિત રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. લાખણીના અમરાપુરામાં ડેરી સહીત મકાનો પર વિજળી પડતા વીજઉપકરણોને નુક્શાન થયું હતું. પાલનપુરમાં શનિવારે બપોરે ૩-૩૦ થી ૪-૩૦ વાગ્યા વચ્ચે એક કલાકમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં કિર્તીસ્થંભ, ગઠામણ દરવાજાથી ગુરૂનાનક ચોક માર્ગ, જુના ગંજ, બસ સ્ટેશન,ધનીયાણા ચોકડી, મફતપુરા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અટવાયા હતા. વડગામના જલોત્રામાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી ભારે વરસાદી ઝાપટા થતા ૧૨ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થતા જલોત્રા પંથક પાણી પાણી થયું હતું. બજારો સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિકો અટવાયા હતા. જ્યારે બપોર બાદ વડગામ પંથકમાં બપોર ૩-૩૦ થી ૪-૩૦ના સમયગાળામાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ૧ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થવા સાથે ઠેર ઠેર જળ ભરાવ થયા હતા. છાપી હાઇવે ઉપર એક ઇંચ વરસાદથી હાઇવે પર ઢીંચણસમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં અટવાયા હતા. ભારે વરસાદને પગલે વીજળી ડુલ થઇ ગઇ હતી.