13, એપ્રીલ 2021
રાજકોટ-
રાજકોટ શહેરના ભાગોળે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા એક સાથે ચાર શ્રમિકોને કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે વધુ 12 શ્રમિકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે કામ કરતા મજૂરો દૂર સુધી ફંગોળાયા હતા. ઘટનાના પગલે મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે વાંકાનેર રોડ પર પીપરડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેકટરીમાં રાત્રીના સમયે બોઇલરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ કામ કરતા મજૂરો દૂર સુધી ફંગોળાયા હતા. ઘટનાના પગલે ત્રણ શ્રમિકોને ઘટના સ્થળ પર અને એક શ્રમિકનું સારવારમાં મળી કુલ ચાર મજૂરોના મોત નિપજ્યા છે.
ફેકટરીમાં બ્લાસ્ટ થતા જ મજૂરો દાઝેલી હાલતમાં રોડ પર દોડી આવ્યા હતા. તે દરમિયાન ઘટના સ્થળ પર હાજર ગામજનોએ તુરંત મજૂરોને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ફાયર વિભાગના સ્ટાફે મહજહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાર બાદ ફેકટરીમાં તપાસ કરતા ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક મજૂર દૂર સુધી ફંગોળાઈ ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા બબસુભાઈ, દયાનંદભાઈ, મુકેશભાઈ અને શ્રવણભાઈ નામના મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો બીજી તરફ એક મહિલા અને બે માસૂમ બાળકી હોમ કોરેન્ટાઈન હોવાથી તેમનો સદનસીબે બચાવ થયો હતો.