રાજકોટમાં સ્માર્ટ સિટી નજીક ૪૫ હજાર ચો.મી. પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
14, ફેબ્રુઆરી 2023

રાજકોટ,તા.૧૪

રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની ૪૫ હજાર ચો. મી. થી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂ.૨૩૦ કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી.

અધિક નિવાસી કલેકટર કે.બી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા ૩૧૮ની ટી.પી. સ્કીમ નં-૨૨ માં એસ.પી. ૬૧ -૧, ૨ માં સરકારી ખરાબા જમીન પર ૪૫,૮૭૦ ચો.મી.જમીન પરના ૫૦થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની દબાણ હટાવ કામગીરીમાં સુરક્ષા બંદોબસ્ત અર્થે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.આર. ભરવાડ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. જાડેજા સહિત ૨૦થી વધુ પોલીસ જવાનો, પી.જી.વી.સી.એલ.ની ટીમ તેમજ નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ સામેલ થઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution