વડોદરા, તા.૨૧

વડોદરા કોર્પોરેશનના ફૂટ સેફ્ટી ઓફીસરો દ્વારા હોળી-ધુળેટી પર્વને ધ્યાને લઈને ધાણી, ખજૂર,તેલ, ચણા, સેવ, પનીર, કપાસીયા તેલ, પ્રિપેડ ફૂડ વગેરેનું વેચાણ કરતા દુકાનો અને લારી, પથારા પર સતત ત્રીજા દિવસે ચેકિંગ ચાલુ રાખતા ૪૬ નમૂના લીધા હતા. ઉપરાંત મસાલાનું વેચાણ કરતા ૭ યુનિટો પર ચેકિંગ કરીને મરચું પાવડર, ગરમ મસાલો, હળદર વગેરેના ૧૭ નમૂના મેળવીને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા મસાલાનું અને ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ મસાલાની ગુણવત્તા કેવી છે તેમાં કાંઈ ભેળસેળ કરી છે કેમ તે સંદર્ભે ફૂડ સેફ્ટી ઓફિસરો તપાસ માટે વિવિધ વોર્ડમાં કામગીરી શરૂ કરી છે. સાથે હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે બજારમાં ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું કોર્પોરેશન દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ચણાને પીળા બનાવવા માટે હળદરને બદલે કૃત્રિમ રંગ નાખેલો છે કે કેમ, હારડામાં સેકરીનનો વપરાશ થયો છે કે કેમ, ઉપરાંત ધાણી અને સેવ બનાવવા રો-મટીરીયલ કઈ ક્વોલિટીનું છે તે અંગે પણ ચેકિંગ કરાઈ રહ્યુ છે.

ફૂટ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના ન્યુ સમા રોડ, ગાજરાવાડી, સરદાર એસ્ટેટ, ન્યુ વીઆઈપી રોડ, મકરપુરા, અકોટા વગેરે વિસ્તારની ૩૬ દુકાનો તેમજ લારી, પથારામાંથી ખજૂર, હળદર,ચણા,ધઉની સેવ,ખારી સીંગ,વળીયારી વગેરનેના ૪૬ નમૂના લીધા હતા.ઉપરાંત મકરપુરા,,ગોરવા, પંચવટી, સમતા, નિલાંબર સર્કલ વગેરે વિસ્તારોમાં મસાલાનું વેચાણ કરતા ૭ યુનિટોમાં ચેકિંગ કરીને મરચુ પાવડર, ધાણાં પાવડર, હળદર વગેરેના ૧૭ નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.