મુન્દ્રા, કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક ઈમ્પોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ૫૦ કિગ્રા કરતાં પણ વધારે વજનનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતા આ કન્સાઈનમેન્ટમાંથી ૫૦ કિગ્રા કરતાં વધારે વજન ધરાવતો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું અને ડ્રગ્સના સેમ્પલને નાર્કોટિક્સ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ બાદ તે હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે અંગેનો ખુલાસો થઈ શકશે. આ સાથે જ કન્ટેનરમાં રહેલા સમગ્ર જથ્થાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું

જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી ડીસીપી ઝોન ૧ સ્ક્વોડ અને લોકલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે. ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ડીસીપી ઝોન ૧ લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી એમડી ડ્રગ્સ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન ૧ સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેને ચેક કરી હતી. યુવતી પાસેથી ૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી.

બીએસએફની ટીમે હરામી નાળા પાસેથી બે પાકિસ્તાનીને ચાર ફિશિંગ બોટો સાથે ઝડપ્યાં

ગાંધીનગર, ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અને ચર્ચાસ્પદ એવા હરામીનાળા વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બે પાકિસ્તાની માછીમારને ઝડપી લીધા હતા. જયારે ચાર પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતા બીએસએફના જવાનોએ ચાર બોટને કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનની દરિયાઈ તેમજ જમીની સરહદની સાથે જાેડાયેલો છે. કચ્છ જિલ્લાનો દરિયાઈ સીમા વાળો હરામીનાળા અને ક્રિક વિસ્તાર કાદવ અને કીચડ વાળો હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછીમારી કરવા માટે આ વિસ્તારમાં ઘૂસી આવે છે. આથી આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમિયાનમાં સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ આજે સવારે હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ક્ષેતિજ ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હરકત જાેવામાં આવી હતી. જેથી સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.