અરવલ્લી : શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમ સોમવારના રોજ સાંજે ચાર વાગ્યે ઓવરફ્લો થયો હતો. અત્યારે ૬૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આંબલી નાકા વેસ્ટ વિયરમાંથી ૬૦૦ કયુસેક પાણીની જાવક છે. ભિલોડાના મામલતદાર દ્વારા ડેમના નિચાણવાળા વિસ્તારોનાં ગામો શામળાજી કોલોની ભવાનપુર, ખેરંચા,ખારી જેવા પંદરેક ગામડાની પ્રજાને નદી કિનારે ન જવા સુચના આપવામાં આવી છે. વધુ વરસાદ પડે તો નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે જેથી સાવચેતી રાખવાની પંચાયતોને સુચના આપવામાં આવી હતી. મેશ્વો ડેમ ઓવરફ્લો થતાં કર્મચારીઓ દ્વારા શ્રીફળ વધેરીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. ડેમની જળસપાટી ૨૧૪.૫૯ ને વટાવી દીધી હતી.મોડાસાના સાયરા ખાતે આવેલા મજુમ ડેમમાં પણ નવા નીર આવતા મજુમ નદી કિનારે આવેલા ૧૨ ગામોને એલર્ટ કરાયા છે. ૫૦૦ ક્યુસેક પાણી ડેમનો ગેટ નંબર પાંચ એક ફૂટ ખોલવામાં આવ્યો હતો.