દિલ્હી-

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આજે સોમવારે દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આ પ્રસંગે કલાકારોને પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત, ધનુષ અને મનોજ બાજપેયીને આ વખતે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રનૌતને ચોથી વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. કંગના રનૌત પરંપરાગત અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ધનુષ અને મનોજ બાજપેયીને આપવામાં આવ્યો છે. ધનુષને આ સન્માન તેની ફિલ્મ અસુરન માટે અને મનોજ બાજપેયીને ભોસલે માટે મળ્યું હતું.

રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત

આ ફંક્શનમાં બોલિવૂડ કલાકારો સાથે રજનીકાંતે પણ હાજરી આપી હતી. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેશનલ ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં રજનીકાંતને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. આ સાથે તેમની યાત્રાનો એક વિડીયો બતાવવામાં આવ્યો હતો જેમાં મોહનલાલ, અમિતાભ બચ્ચન અને એ.આર. રહેમાને તેમના માટે સંદેશ આપ્યો છે. રજનીકાંતે આ એવોર્ડ તેમના ગુરુ કે બાલાચંદરને સમર્પિત કર્યો છે.

ગાયક બી પ્રાક અને સવાણી રવિન્દ્રને પણ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અક્ષય કુમારની ફિલ્મ કેસરીના ગીત 'તેરી મીટ્ટી' માટે બેસ્ટ પ્લેબેક સિંગર કેટેગરીમાં બી પ્રાક અને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર કેટેગરીમાં 'રાણ પટેલા' ગીત માટે સવાણી રવિન્દ્રનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને પણ બેસ્ટ ફિલ્મના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. ડિરેક્ટર નિતેશ તિવારીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના, ધનુષ અને મનોજ બાજપેયી ઉપરાંત વિજય સેતુપતિ, પલ્લવી જોશી, નાગા વિશાલ, કરુપ્પુ દુરાઈ અને વિવેક અગ્નિહોત્રી સહિત અનેક કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.