વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં આજે વધુ બે મહિલા કોર્પોરેટરો, કોર્પોરેશનના બે અધિકારીઓ, સભા શાખામાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત વધુ ૭૯ પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું હતું.

છેલ્લાં કેટલાંક દિવસથી તેમાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, રાજકીય મેળાવડાઓ બાદ કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જરૂરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં પાલિકાના એક કાર્યપાલક ઈજનેર, ટુરિસ્ટ વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારી, સભા શાખાનો કર્મચારી તેમજ વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧૩ના મહિલા કાઉન્સિલર સહિત વધુ ૭૯ કોરોના સંક્રમિત બનતાં તંત્ર દોડતું થયુ છે.

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ વિતેલા છેલ્લા ર૪ કલાકમાં લેવામાં આવેલા ૨૯૦૮ સેમ્પલોમાં ૭૯ પોઝિટિવ અને ૨૮૨૯ સેમ્પલો નેગેટિવ જણાયા હતા. નવા પોઝિટિવ આવેલા દર્દીઓમાં છીપવાડ, ગાંધી નગરગૃહ, આજવા રોડ, બાવચાવાડ, વીઆઈપી રોડ, ઈન્દુચાચા હોલ રોડ, છાણી જકાતનાકા, પોલોગ્રાઉન્ડ, આર.વી.દેસાઈ રોડ અને રાજમહેલ રોડનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સોખડા, પાદરા, પીપળિયા, વાઘોડિયા, ડભોઈ અને પદમલાનો સમાવેશ થાય છે.

કોરોનાના એક્ટિવ ૬૩૬ દર્દીઓ પૈકી ૧૦૩ ઓક્સિજન ઉપર, ૪૫ વેન્ટિલેટર ઉપર તેમજ ૪૮૮ સ્ટેબલ હોવાનું તેમજ આજે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા શહેર-જિલ્લામાં કોવિડ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧૭૭૬ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.