ગુજરાતને ફાળવાયેલા 7 તાલીમી IPS અધિકારીઓ CM રૂપાણી સાથે મુલાકાત કરી
24, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

ગુજરાતને ફાળવાયેલા ર૦૧૯ બેચના સાત પ્રોબેશનરી-તાલીમી IPS અધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. ર૦૧૯ બેચના આ સાત તાલીમી IPS અધિકારીઓ હાલ કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહ્યા છે. તા.૧ સપ્ટેમ્બરથી તેઓ તેમને ફાળવાયેલા જિલ્લાઓ ભરૂચ, જૂનાગઢ, મોરબી, ખેડા, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગરમાં અજમાયશી અધિકારી તરીકે સેવાઓ આપવા નિયુકત થવાના છે.

મુખ્યમંત્રીએ આ તાલીમી યુવા IPS અધિકારીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે, કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે તેમને જનસેવાનો જે અવસર મળ્યો છે તેમાં સમાજના અંતિમ છૌરના વ્યકિતને પણ પોલીસ તેની સાથે-તેની પડખે છે તેવી અનુભૂતિ થાય તેવું દાયિત્વ સેવાકાળ દરમ્યાન તેઓ નિભાવે. 

આ તાલીમી IPS અધિકારીઓમાં બહુધા ઇજનેરી ડીગ્રી ધારકો છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે ટેકનોલોજીનો પોલીસ ફોર્સમાં મહત્તમ ઉપયોગ કરીને ''મોર્ડન પોલીસ ફોર્સ''ની નામના મેળવી છે તેમાં આ યુવાઓ પણ પોતાના જ્ઞાન કૌશલ્યથી વધુ નિખાર આપવા યોગદાન આપી શકે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution