18, નવેમ્બર 2022
ભાવનગર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન અને ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ છે. ત્યારે સાંજ સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં મહુવા બેઠકમાંથી એક, તળાજા બેઠક પરથી એક, ગારીયાધાર બેઠક પરથી એક, ભાવનગર પૂર્વમાંથી એક અને ભાવનગર પશ્ચિમમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા આમ, સાત ફોર્મ પરત ખેંચાયા છે.ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ગઈકાલ સુધી ૧૦૮ માંથી ૮૪ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. આ ૮૪ ઉમેદવારોમાંથી બુધવારે સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. ૭ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે ૭૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. સાંજ સુધીમાં સાતેય બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.