વડોદરા-

વડોદરા જિલ્લાના પાદરા ગામે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તિજોરીના ગુપ્ત ખાનામાંથી સોનાના - ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા ૮.૧૯ લાખ ઉપરાંતની મત્તા ચોરી થયા અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ છે.

શહેર નજીક પાદરા ગામે શામળકુવા ચાર રસ્તા પાસે આવેલી રણછોડનગર સોસાયટીમાં રહેતા હિમાંશુભાઈ બારીયા ઉમરાયા ગામમાં આવેલી કેડીલા કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ અગાઉ તેઓ નોકરી પર ગયા હતા.જ્યારે તેમના પત્ની મકાનને તાળું મારી બાળકો સાથે પિયરમાં ગયા હતા. હિમાંશુભાઈ બીજા દિવસે સવારે ઘરે પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં સામાન વેરવિખેર હતો. અજાણ્યા તસ્કરો તિજોરીના ગુપ્ત ખાનામાં સંતાડેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી કરી નાસી છૂટયા હતા. જેમાં ૧.૩૫ લાખ ની કિંમત નું સોનાનું મંગળસૂત્ર, ૨૨૫૦૦ ની કિંમત સોનાની શેર, ૨૨૫૦૦ ની કિંમતનો સોનાનો ટીકો, ૪૦૫૦૦ ની કિંમત સોનાની બે નંગ વીંટી, ૬૭૫૦૦ ની કિંમત સોનાની ઝુમ્મર, ૨૭૦૦૦ ની કિંમતની સોનાની બુટ્ટી, ૧,૫૭,૫૦૦ ની કિંમતનો સોનાનો સેટ, ૯૦ હજારના કિંમતની સોનાની લકી, ૬૭૫૦૦ ના કિંમતની સોનાની 3 નંગ વીંટી, ૪૯૫૦૦ ની કિંમતની સોનાની ચેન, ૬૭૫૦૦ ની કિંમતની સોનાની ચેન ,ચાંદીના સિક્કા ૯૪૫૦ ની કિંમતના તથા રોકડા રૂપિયા ૫૦ હજાર મળી મળી ૮,૧૯,૯૫૦ ની મત્તાનો સમાવેશ થાય છે.આ ચોરી અંગે પાદરા પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.અને તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી છે.