ભુજ કચ્છના નખત્રાણામાં ૧૨થી ૨ વાગ્યા સુધીમાં ૪૧ મિમી અને ૨થી ૪ વાગ્યા સુધીમાં ૫૨ મિમી એટલે કે સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ ૪ કલાકમાં નખત્રાણામાં ખાબક્યો છે. નખત્રાણા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. ખોભડી, ઉખેડા, કોટદા, કાદિયા, રસલિયા ટોડિયા મથલ સહિતના વિસ્તરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નાની બન્નીના ખાવડા વિસ્તારમાં આજ સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. આ વિસ્તારમાં પશુપાલન આધારિત હોતા પશુ પાલકોમાં ખુશીની લહેર જાેવા મળી હતી, જત સમાજના બાળકો વહેતા પાણીમાં કુદરતી સ્વિમિંગ પુલની મજા મળતા જાેવા મળ્યા હતા.બીજા રાઉન્ડમાં જિલ્લાના અલગ અલગ તાલુકા વિસ્તારમાં મેઘ મહેર અવિરત રહેતા વાગડના રાપર તાલુકા બાદ આજે ભુજ, નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં પણ સવારથી વરસાદનું આગમન થતા એકથી દોઢ ઇંચ વરસાદ થયાનું જાણવા મળી હતું. બપોરના સમયે પણ વરસાદ ચાલુ હોવાનું લોકોએ જણાવ્યું છે.વાગડના રાપર તાલુકામાં ગઈકાલે સાંજે શરૂ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના ૧૨ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધો હતો. જ્યારે મોડી રાત્રિ બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય એમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.સાત ઇંચ વરસાદ ખાબકતાં બેલાના તમામ તળાવો ઓવરફ્લો થઇ ગયાં હોવાનું તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભૂપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. નજીકના મોવાણામાં પણ છથી સાત ઇંચ વરસાદ પડ્યાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આમ, પ્રાથળ વિસ્તારમાં ગત રાત્રિથી આજે સવાર સુધી સાંબેલાધાર વરસાદ પડતાં અનેક નાના-મોટા તળાવો ભરાઈ ગયાં હતાં તો વ્રજવાણી, બાલાસર, દેશલપર,લોદ્રાણી ગઢડા વગેરે વિસ્તારમાં પણ નદી-નાળા વહી નીકળ્યાં હતાં.

રાપરમાં ત્રણ સ્થળોએ વીજળી પડી

રાપર તાલુકનાના બેલા ગામે વાઘેશ્વરી માતાજીના મંદિર ઉપર વીજળી પડતા શિખર અને છતની સાથે વીજ ઉપકરણમાં નુકશાની થઈ છે. આજ ગામના ભોજીરામ મંદિર ઉપર વીજળી જાેરદાર કડાકા સાથે ત્રાટકતા મંદિરનું શિખર તૂટી જવા પામ્યું છે. રાપરના નિલપર ગામે પરબત ભીમાના ઘર ઉપર વીજળી પડતા ઘરની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી ગયા હોવાનું સતુભા જાડેજાએ કહ્યું હતું. વીજળી પડતા ગામના સરપંચ ભીખુભાઇ સોલંકી બનાવના ઘરે ખબર લેવા દોડી ગયા હતા.