રાજકોટ ઃ દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે. રાજકોટના મવડી ચોકડી પાસે થયેલી હિરા અને રોકડની ચોરીની ઘટનામાં બાબા સીતારામ ચોક વચ્ચે આવેલી સીવીક ઇમ્પેક્ષ નામના કોમ્પલેક્સમાં ત્રીજા માળે આવેલા ડાયમંડ પેઢી આવેલી છે. તેના માલિક મુકેશ ગોપાલભાઈ દુધાત્રા આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાની ડાયમંડ પેઢીએ પહોંચ્યા હતા. ત્યારે પેઢીનું શટર અડધુ ઊંચુ થયેલું જાેવા મળતા તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. શટર ખોલી તાત્કાલિક પોતાની ઓફિસમાં આવેલી તિજાેરી ચેક કરતા તુટેલી જાેવા મળી હતી. તેમાં રાખેલી ૮ લાખ રૂપિયાની રોકડ રકમ અને અંદાજીત લાખોની કિંમતના ૧૨ હજારના કાચા હિરા ગાયબ હતા.પેઢી સંચાલક મુકેશભાઈને ચોરી થયાનું માલુમ પડતા તુરંત જ તેમણે ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. જે બાદ એસીપી ભાર્ગવ પંડ્યા તાલુકા પોલીસ મથકના પી.આઇ વિરલ પટેલ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવ સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી શહેરભરમાં નાકાબંધી કરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ચોરીના બનાવ અંગે એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ મોડી રાતનો છે અને તિજાેરી ગેસ કટરથી તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તસ્કરો રોકડ રૂપિયા ૭થી ૮ લાખ અને હજારો હિરા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હિરાની કુલ કિંમત મેળવવા તપાસ હાલ ચાલી રહી છે.જ્યારે ડાયમંડ પેઢીના માલિક મુકેશભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું કે, તેઓ સુરતથી હિરાનો લોટ મગાવી કામ કરતા હતા. દરરોજની જેમ તેઓ ગઈકાલે સાંજે ૫ વાગ્યે પોતાનું કારખાનું બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. બાદમાં દિવાળી તહેવાર હોવાથી આજે વહેલી સવારે તેઓ કારખાને આવતા શટર અડધું ખુલ્લું હતું. ઓફિસની અંદરની તિજાેરી તુટેલી હતી અને તેમાં રાખેલા ૮ લાખ રોકડ અને હિરાની ચોરી થયાનું માલુમ થયું હતું. બનાવ અંગે પેઢી સંચાલક મુકેશ દુધાત્રાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં કારખાનામાં સીસીટીવી કેમેરા નથી. કોમ્પ્લેક્સની બહાર આવેલા સીસીટીવી કેમેરામાં બે બુકાનીધારી શખસો દેખાઈ રહ્યા છે. જેને લઇને તે દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના પાછળ જાણભેદુ હોવાની શક્યતા છે. પોલીસે કારખાનાના માલિક અને ત્યાં કામ કરતા ૩૦થી ૩૫ જેટલા કારીગરોની પણ પૂછપરછ શરૂ કરી છે.