શહેર-જિલ્લામાં કોરોનાથી ૮ દર્દીઓનાં મોત ૧૦૬ પોઝિટિવ કેસ 
18, ડિસેમ્બર 2020

વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૦૬ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૮૮૭ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૮,૩૦૬ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. જ્યારે આજે ૮ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એક મોત જાહેર કરતાં મૃત્યુઆંક ૨૩૨ પર પહોંચ્યો હતો. આજે ૯૩ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૭ દર્દીઓ સરકારી, ૧૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૬૮ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૮,૩૦૬ થઈ હતી.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે અટલાદરા, સવાદ, સુભાનપુરા, ગોરવા, વારસિયા, કારેલીબાગ, જેતલપુર, ગોત્રી, સમા, ફતેપુરા, યમુના મિલ, માંજલપુર, બાપોદ, અકોટા અને વડસર સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના વેમાલી, કરજણ, ચાંદોદ, ડભોઈ, પાદરા, દશરથ અને ભાયલી સહિતના વિસ્તારોમાં કુલ ૩૮૯૧ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૭૮૫ નેગેટિવ અને ૧૦૬ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૩૪૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૯ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૧ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૧૩૯ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૦૬ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૧ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૬, ઉત્તર ઝોનમાં ૧૭, પશ્ચિમ ઝોનમાં ૧૭ અને પૂર્વ ઝોનમાં ૧૫ કેસોનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution