ભરૂચ, ભરૂચ જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારના સંભવિત તૌકતે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આવેલાં જંબુસર તાલુકાના ૧૪ ગામોના ૬૮૩, વાગરા તાલુકાના ૧૧ ગામોના ૧૫૮૫ અને હાંસોટ તાલુકાના ૫ ગામોના ૪૯૬ મળી કુલ ૩૦ ગામોના કુલ ૨૭૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તેમ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ વાગરા તાલુકાના ગામ્ય વિસ્તારની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. કલેકટરે આ મુલાકાત વેળાએ ગંધારના દરિયા કિનારા અગરિયાઓને તાત્કાલિક રૂબરૂ જઇને સ્થળાંતર કરાવ્યા હતા.આ સ્થળાંતર કરી ગયેલા લોકોમાં કોવિડ આરોગ્યલક્ષી ગાઈડલાઈન પ્રમાણે ચકાસી જાે કોઈને પોઝિટિવ હોય તો તેને અલગ રાખવા ઉપરાંત તાત્કાલિક અસરથી સારવાર કરાવવા જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને આ બે દિવસ દરમ્યાન સતત સાવચેતી રાખવાની જરૂર છે.ભરૂચ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે આ બાબતમાં કોઈપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અથવા ૧૦૭૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.લોકોને કોઈપણ પ્રકારની અફવાથી બચવા, સલામત સ્થળે સ્થળાંતર કરવામાં સહયોગ આપવા તથા બચાવ-રાહત કામગીરીમાં અંતરાયરૂપ ન થવા અપીલ છે.

સુવા ગામે દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો

ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેની સાથે ભરૂચના દહેજ બંદરને ૧ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દહેજમાં પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના સુવા ગામે પવનની ગતિમા વધારો થયો હતો અને વાતાવરણ બદલાયું હતું. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટને દરિયામાં ન લઇ જવા દઈને કાંઠે લઇ આવ્યા જણાવ્યું હતું. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાયાનું કામ શરૂ કરાયું છે.

હાંસોટ અને આલીયાબેટના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

તૌકતે વાવાઝોડા ની તીવ્ર અસર ને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રાહત કામગીરી માં ઉભુ છે.જેને પગલે હાંસોટ તાલુકા ના સમુદ્રી કિનારે વસેલા ૬ ગામો અને આલીયાબેટ પર રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ. ગુજરાત માં તૌકતે વાવાઝોડાની એક્ટિવિટી શરુ થઇ ગઈ છે,તારીખ ૧૬ મી મે ના રોજ સાંજ થી જ ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે,ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં હાંસોટ તાલુકા ના કંટીયાજાળ, સમલી, વમલેશ્વર, કતપોર, વાંસાનોલી,અને આંકલાવ મળીને ૫૩૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ,જ્યારે આલીયાબેટ પર વસતા ૨૫૦ લોકોને હાંસોટ અને અંભેટા ની પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજી તરફ અંકલેશ્વર પંથકમાં પણ દિવસ દરમ્યાન પવનની ગતિ તેજ રહી હતી, અને વાતાવરણ માં ધૂળની ડમરીઓ ઉડી હતી, તેમજ છુટા છવાયા વરસાદી છાંટા પણ વરસ્યા હતા.

તૌકતે વવાઝોડાની અસરઃ વલસાડમાં દરિયામાં બાર ફૂટના મોજાં ઉછળ્યાં

વલસાડ, તૌકતે વાવાઝોડાની હવામાન વિભાગે આપેલ આગાહી એ વલસાડ જિલ્લા ના વહીવટી તંત્ર ની ઊંઘ ઉડાડી દીધી છે. નવો રોગ મ્યુકોરમાઇકોસીસે એન્ટ્રી મારી છે અને હવે તૌકતે વવાઝોડા ના આગમન ની આગાહી થી લોકો માં દહેશત વ્યાપી છે. હવામાન વિભાગે આ વાવાઝોડું ગુજરાત માં ૧૮ થી ૨૦ તારીખે આવશે ની આગાહી આપી હતી પરંતુ રવિવારે બપોરે બે વાગ્યે થી જ વાવાઝોડા ની અસર જાેવા મળી હતી. કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા સંભવિત અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ૨૦ ગામોના ૧૦૬૭ લોકોને ૨૬ આશ્રય સ્‍થાન, પારડી તાલુકાના ૦૬ ગામોમાં ૫૬૧ લોકોને ૩ આશ્રયસ્‍થાન, ઉમરગામ તાલુકાના ૧૧ ગામોના ૭૮૯ લોકોને બાવન આશ્રયસ્‍થાનો મળી કુલ ૩૯ ગામોના કુલ ૮૩ આશ્રયસ્‍થાનોમાં ૧૦૯૬સ્ત્રી અને ૯૫૮ પુરુષ તથા ૩૬૩ બાળકો મળી ૨૪૧૭ લોકોનું સલામત રીતે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે. વલસાડ જિલ્લા ના શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી માહોલ બન્યો હતો તિથલ ખાતે વર્ષો જૂનો ઝાડ ધરાસાઈ થયો હતો દરિયા થી જાેરદાર પવન ફૂંકાયો હતો અંતરિયાળ વિસ્તારો માં ઘણા ઝૂંપડાઓ ના પતરા ઉડી ગયા હોવાની બાબતો સામે આવી હતી રવિવારે બપોરબાદ વાતાવરણ શાંત બન્યું હતું વલસાડ વહીવટી તંત્રે કાંઠા વિસ્તાર ના ગામડા ના લોકો ને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી હતી મોડી રાત સુધી લગભગ ૬૦૦ થી૭૦૦ લોકો ને સ્થળાંતર કરાવાયું હતું ૨૪૧૭ જેટલા લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે વલસાડ કલેકટર આર આર રાવલ અને ડીએસપી ઝાલા એ લોકો ની સુરક્ષા ની બાગડોર સાંભળી હતી. તિથલ દરિયા કિનારે જાેરદાર પવન આવતા ધંધાદારીઓ એ ઉભા કરેલ તંબુઓ તહસ નહસ થઈ ગયા હતા.દરિયા માં ઉઠી રહેલ તરંગો વાવાઝોડા ની આવવાનો શંકેત આપી રહી હતી ૨૪ પોલીસ અધિકારીઓ ની દેખરેખ માં વલસાડ પોલીસ ની સૈકડો જવાનો લોકો ની સુરક્ષા બાબતે તૈનાત થયા હતા વલસાડ ડીએસપી ડો. રાજદીપસિંહ ઝાલા એ જિલ્લા માંથી ૪૦૦ જેટલા તરવૈયાઓ ની ટિમ સજ્જ રાખી હતી તેની સાથે ૧૦૮ અને ખાનગી હોસ્પિટલો ની એમ્બ્યુલનસો પણ સ્ટેન્ડબાય રાખવા માં આવી હતી એન ડી આર એફ ની ટિમ લોકો ને મદદ કરવા ઉપસ્થિત રહી હતી વાવાઝોડા ને લઈ બચાવ માટે કલેકકટરે તમામ વ્યવસ્થાઓ કરી હતી છતાં પણ આવનાર વાવાઝોડું કેવી સ્થિતિ નું સર્જન કરશે તે બાબતે ચિંતાતુર બન્યા હતા.ખેરગામ તાલુકામાં બપોર સુધી તીવ્ર પવનની ઝડપ વર્તાતી હતી, થોડો વરસાદ પડ્યો. પરંતુ બપોરે અઢી વાગ્યાના સુમારે સરસિયાના કુંવરજીભાઇ ઝીણાભાઈ પટેલે હાલમાં જ બનાવેલા મકાનના છાપરાના સિમેન્ટના પંદરેક પતરા ચક્રવાતે ઉડાડતા ઘરમાં ચાર્જિંગ થતો મોબાઈલ ઉપર પડતાં ૯ હજારનો મોબાઈલ કચ્ચરઘાણ થઇ ગયો હતો.

વીજ કંપનીઓના વીજ કર્મીઓ ખડેપગે

જિલ્લામાં વાવાઝોડાને પગલે વીજળી વેરણ થાય તો કોવિડની સુવિધાઓ ઠપ ન થાય તે માટે ૩૦૦ વીજ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તથા વીજ તાર તૂટી જવાની સ્થિતિમાં રિસ્ટોરેશન માટે ૧૯ ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર જીઈ જે.એસ.કેદારીયાએ જણાવ્યું હતું કે ૧૧ એન્જીનિયર સાથે ની ૩૦૦ વિજકર્મીઓની ટીમ રિસ્ટોરેશન માટે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં તહેનાત છે. અન્ય તાલુકા અને ભરૂચ,અંકલેશ્વર, આમોદ,જંબુસર નગર માટે પણ અન્ય વીજ સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. જિલ્લામાં આજે સામાન્ય અને કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાના પગલે જિલ્લાભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. ગુજરાતને પ્રાણવાયુ પૂરો પાડતા દહેજ – ઝઘડિયાના ૨ પ્લાન્ટ કાર્યરત રાખવા પર ધ્યાન સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ગઢ અને ૧૨૨ દ્ભસ્નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે ૨ મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બંને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે. 

ભરૂચ શહેરમાં રહેલા જાેખમી બેનરો અને હોર્ડિંગ ઉતારાયા

ભરૂચ નગરપાલિકા તંત્ર પણ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાન માં રાખી સજ્જ થઈ ફાયર બ્રિગેડની બે ટીમ ૨૪ કલાક માટે તૈયાર રાખી કામગીરી હાથધરી છે. ભરૂચ નગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ફાયર બ્રિગેડની બે ટીમ બચાવ સામગ્રી સાથે રાઉન્ડ ધી કલોક તહેનાત રાખવામાં આવી છે.ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખ અમિત ચાવડાએ નગરપાલિકાની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રહેલા જાેખમી હોર્ડીંગ અને બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ હોવાનું કહ્યું હતું.

માંડવીના અંતરિયાળ ગામોમાં ઘરોને નુકસાન

તાઉતે વાવઝોડાના કારણે માંડવી તાલુકાના ફેદરિયા-ઉકાઈ રોડ પરના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં થયું નુકશાન. સતત ૧૫ થી ૧૬ કલાક વિજપ્રવાહ રહ્યો બંધ. રાજકિય આગેવાનો દ્વારા આગળ આવી પીડિતોને સહાય કરાય તેવી ગ્રામજનોની માંગ. દેશનાં અમુક વિસ્તારોમાં આતંક ફેલાવનાર તાઉતે વાવાઝોડાની અસર માંડવી તાલુકામાં પણ દેખાય હતી. જેનાં સંદર્ભે ફેદરિયા-ઉકાઈ રોડ પર આવેલ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં અમુક ગરીબ આદિવાસી લોકોનાં ઘર તૂટી જતા જાણે તેમના પર આભ તૂટી પડ્યું હતું. અમુક લોકોએ ઓછીના પૈસા લાવી જાત મહેનત કરી ઘર બનાવ્યાને હજુ માંડ એક કે દોઢ વર્ષ જ થયું હતું અને તેમના પૈસા પણ ચૂકવવાનાં બાકી હોય અને આ વાવાઝોડાને કારણે તેમનું મકાન તૂટી જતા જાણે તેમની આત્માએ રાડ પાડી રુદન કર્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. તો ઘર સહિત કેટલનાં ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થતા ખેડૂત જાણે માથે હાથ દઈ બેસી ગયો હતો. તો આવી કપરી પરિસ્થિતિમાં રાજકિય આગેવાનો આગળ આવી આવા પીડિતોને સહાય કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉભી થઇ છે.