વડોદરા : સમગ્ર રાજ્યમાં યોજાયેલ જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે.એમાં વડોદરા શહેરની માફક જિલ્લા અને આઠ તાલુકાઓ ઉપરાંત ત્રણ નગર પાલિકાઓમાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલી ઉઠ્‌યું છે. ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના પરંપરાગત મતદારોએ યુ ટર્ન લેતા કાદવમાં ખીલતું કમળ જાેઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો.જેઓએ વંદે માતરમ અને ભારત માતાકી જયની સાથોસાથ જય શ્રી રામના નારાઓથી વાતાવરણને ગુંજવી દીધું હતું. મતદાનના સ્થળોએ ઉમટેલા બંને પક્ષના કાર્યકરોએ અબીલ ગુલાલની છોળો ઉછાળીને અને ઢોલ નગારાની સાથોસાથ આતશબાજી કરીને વાતાવરણ ગુંજવી દીધું હતું. જેમ જેમ પરિણામો આવતા ગયા હતા. એમ એમ વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. તેમજ કેટલીક વખત બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા પોલીસને માટે પરિસ્થિતિ સંભાળવાનું મુશ્કેલરૂપ બની ગયું હતું. વડોદરા જિલ્લાની સાત બેઠકોની જ્યાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.એ દશરથના ધોરીમાર્ગ પરના મત ગણતરી મથક આગળ ચક્કા જામ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી -૨૦૨૧ માં જિલ્લા પંચાયતની ૩૪ પૈકી ૨૭ બેઠકો અંકે કરીને ભાજપે સત્તા હાંસલ કરી છે. જયારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ પ્રમાણે આઠ તાલુકા પંચાયતની ૧૬૮ પૈકી ૧૧૫ બેઠકો ભાજપે અંકે કરી છે. તેમજ તમામમાં બહુમતી મેળવીને સત્તા હાંસલ કરી છે. જયારે કોંગ્રેસને આઠ તાલુકા પંચાયતોમાં માત્ર ૪૬ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ ઉપરાંત સાવલી, ડભોઇ અને પાદરા નગર પાલિકાઓની ૮૮ બેઠકો પૈકી ૫૬ ભાજપને ,૨૨ કોંગ્રેસને અને પાંચ આરએસપી તથા પાંચ અપક્ષ વિજેતા બન્યા છે. જાે કે ડભોઇ નગર પાલિકાના વોર્ડ નવના મોડેથી જાહેર થયેલા પરિણામમાં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક પ્રાપ્ત થઇ છે.

વડોદરા જિલ્લા પંચાયતની વડોદરા તાલુકાની ૭ પૈકી ૬ બેઠકો પર ભાજપ વિજેતા

વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીઓમાં વડોદરા તાલુકાની સાત બેઠકો પૈકી છ બેઠકોમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે એકમાત્ર સોખડાની જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરણ ખુમાનસિંહ રાઠોડ વિજેતા બન્યા છે. ભાજપના ઉમેદવારો જે છ બેઠકો પર વિજેતા બન્યા છે.એમાં અણગઢમાંથી હંસાબા રાજુ ગોહિલ, દશરથમાંથી નરેન્દ્ર પરષોત્તમ રોહિત, પોરમાંથી અશોકભાઈ રાવજીભાઈ પટેલ, રણોલીમાંથી જયેશભાઇ જયંતીભાઈ પટેલ, સયાજીપુરામાંથી મથુરભાઈ લખુભાઈ રાઠોડીયા અને શેરખીમાંથી હર્ષાએ હિતેન્દ્ર પરમારનો સમાવેશ થાય છે.

જિલ્લા - તાલુકા પંચાયતોમાં કોણ હાર્યા અને કોણ જીત્યા

વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં ૨૦૧૫ની ચૂંટણીઓની તુલનાએ મતદારોના યુ ટર્નને લીધે કોંગ્રેસના મોટા માથાના મહાનુભાવોને ઘેર બેસવાનો વારો આવ્યો છે. જયારે કેટલાક કોંગી અગ્રણીઓ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને એમના પતિની કારમી હાર થવા પામી છે. વાઘોડિયા તાલુકાની જરોદ બેઠક પરથી પૂર્વ પ્રમુખના પતિ દિલીપ ભટ્ટ કોંગ્રેસની ટીકીટ પર લડી રહ્યા હતા.જ્યાં તેઓની હાર થવા પામી છે.જયારે પન્નાબેન ભટ્ટે દેણા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.જેમાં તેઓની પણ હાર થવા પામી છે. જાે કે કોંગ્રેસે પૂર્વ ઉપપ્રમુખ મુબારક ઉપરાંત વાળુની બેઠક પરથી અર્જુનભાઈ અને ડો.પ્યારે રાઠોડ અને હર્ષદ પરમારની જીતથી સંતોષ વ્યક્ત કર્યો છે.

બાજવા ગામમાં ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો દેરાણી-જેઠાણી ઃ એક હાર્યા, એક જીત્યા

વડોદરા શહેરની હદને અડીને આવેલા બાજવા ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે, અહીં બંને પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો તરીકે દેરાણી -જેઠાણી એક જ પરિવારમાંથી સામસામે ચૂંટણી લડયા હતા.જેમાં કોંગ્રેસ તરફથી ઉભા રાખવામાં આવેલ મહિલા ઉમેદવારની જીત થઇ હતી. જયારે ભાજપના મહિલા ઉમેદવારની કારમી હાર થઇ હતી.મોડી સાંજે ડીજેના તાલે વિજેતા કોંગ્રેસના મહિલા ઉમેદવારની વિજય રેલી ગામમાંથી નીકળતા આ બાબતે ગરમા ગરમ ચર્ચાઓ ગામમાં થવા પામી હતી.

અનગઢ બેઠક પર કોગ્રેસના ઉમેદવારને પરિવારના મત ન મળતાં દેખાવો યોજાયા

વડોદરા પાસે આવેલા ધનોરા ગામના માજી સરપંચ પ્રવિણસિંહ મકવાણાના પત્ની પારૂલબેને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. તેઓએ ઈ.વી.એમ. મશીન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના મત વિસ્તારમાં તાલુકાની ચૂંટણીમાં એમના ગામમાંથી ૭૬૭ જેટલા મત મળ્યા હતા.જયારે જિલ્લામાં આજ મતની સંખ્યા ૧૦૨ જેટલી હતી.આટલો મોટો તફાવત કદી ન હોય. તેઓના પરિવારોના જ ૩૦૦ જેટલા મત હતા.તો આટલા ઓછા મત હોવું સંભવ નથી. જેણે લઈને ઉગ્ર દેખાવો પરિવારના સભ્યોએ કર્યા હતા. તેમજ આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાનું જણાવ્યું હતું.

જિલ્લા પંચાયત

બેઠક કુલ બેઠક ભાજપા કોંગ્રેસ અન્ય પક્ષ અપક્ષ

ડેસર ૨ ૨ ૦ ૦ ૦

સાવલી ૫ ૪ ૧ ૦ ૦

વડોદરા ૭ ૬ ૧ ૦ ૦

વાઘોડિયા ૪ ૪ ૦ ૦ ૦

ડભોઈ ૪ ૩ ૧ ૦ ૦

પાદરા ૬ ૪ ૨ ૦ ૦

કરજણ ૪ ૨ ૨ ૦ ૦

શિનોર ૨ ૨ ૦ ૦ ૦

કુલ ૩૪ ૨૭ ૭ ૦ ૦

તાલુકા પંચાયત

બેઠક કુલ બેઠક ભાજપા કોંગ્રેસ અન્ય પક્ષ અપક્ષ

ડેસર ૧૬ ૮ ૭ ૦ ૧

સાવલી ૨૨ ૧૭ ૪ ૦ ૧

વડોદરા ૨૮ ૨૦ ૮ ૦ ૦

વાઘોડિયા ૨૦ ૧૮ ૧ ૦ ૧

ડભોઈ ૨૦ ૧૩ ૫ ૦ ૨

પાદરા ૨૬ ૧૪ ૧૧ ૦ ૧

કરજણ ૨૦ ૧૫ ૫ ૦ ૦

શિનોર ૧૬ ૧૦ ૫ ૦ ૧

કુલ ૧૬૮ ૧૧૫ ૪૬ ૦ ૭

નગરપાલિકા

નગરપાલિકા કુલ બેઠક ભાજપા કોંગ્રેસ અન્ય પક્ષ અપક્ષ

સાવલી ન.પા. ૨૪ ૧૬ ૮ ૦ ૦

ડભોઈ ન.પા. ૩૬ ૨૦ ૧૪ ૦ ૨

પાદરા ન.પા. ૨૮ ૨૦ ૦ ૫ ૩

કુલ ૮૮ ૫૬ ૨૨ ૫ ૫