આણંદ : ભારતમાં કોવિડ રસીકરણનો ત્રીજાે તબક્કો શરૂ થઈ ગયો છે. આણંદ જિલ્લામાં૧ માર્ચ,૨૦૨૧થી એટલગ કે, આજથી રાજ્ય સરકારની સૂચના અનુસાર ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટિજન્સને તેમજ ૪૫થી ૫૯ વર્ષના સરકારે નિયત કર્યા મુજબની બીમારી ધરાવતાં નાગરિકોને કોવિડ-૧૯ રસીકરણની કામગીરીની શુભારંભ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાનાં દંતાલી ગામના સચ્ચિદાનંદ આશ્રમનાં મહંત સચ્ચિદાનંદ સ્વામીએ એસએસ હોસ્પિટલ- પેટલાદ ખાતે સોમવારે સવારે કોવિડ -૧૯ની પ્રથમ રસી મૂકાવી હતી. આણંદ જિલ્લામાં સચ્ચિદાનંદજી ૬૦ વર્ષથી વધારે ઉંમરના પ્રથમ લાભાર્થી બન્યા છે. તેઓએ તમામ વયસ્ક અને વૃદ્ધ નાગરિકોને સંભવિત કોરોના સંક્રમણથી બચવા કોવિડ રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં સરકારી તેમજ આયુષમાન ભારત (પીએમજેએવાય) અન્વયે જાેડાયેલી ખાનગી સંસ્થાઓમાં કોવિડ-૧૯ રસીકરણની કામગીરી સુચારું રીતે શરૂ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારનાં અધ્યક્ષ સ્થાને તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને ખાનગી સંસ્થાનાં તબીબોની જિલ્લા પંચાયત આણંદ ખાતે આજે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આણંદ જિલ્લાના ૬૦ વર્ષથી મોટી ઉંમરનાં ૨,૦૯,૯૬૮ તેમજ ૪૫થી ૫૯ વર્ષનાં સરકાર દ્વારા નક્કી થયાં મુજબની બીમારી ધરાવતાં ૧૨,૩૪૦ નાગરિકોના કોવિડ-૧૯ રસીકરણનો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. સરકારની ગાઇડલાઇન્સ અન્વયે આણંદ જિલ્લાની સરકારી સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ આણંદ, એસએસ હોસ્પિટલ (પેટલાદ), સા.આ.કે., પ્રા.આ.કે. અને અર્બન હેલ્થ સેન્ટરોમાં આજરોજ ૧ માર્ચ, ૨૦૨૧થી કુલ ૭૬ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કોવિડ-૧૯ની રસીની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, કોવિડ રસીકરણ બાદ કેટલાંક નાગરિકોને તેની આડઅસર થઈ છે, તો કેટલાંક પ્રથમ ડોઝ બાદ કોરોનાથી સંક્રમિત પણ થયાં છે. વળી, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ દ્વારા રસીકરણના બીજા ડોઝમાં નબળો પ્રતિસાદ રહેતાં નાગરિકોમાં રસીકરણ બાબતે ઉત્સાહ જણાતો નથી.

જાેકે, પેટલાદની એસએસ હોસ્પિટલમાં કોવિડ-૧૯ રસીકરણની કામગીરીનાં શુભારંભ અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પેટલાદ તાલુકાનાં દંતાલી ગામના સચ્ચિદાનંદ આશ્રમનાં મહંત સચ્ચિદાનંદ સ્વામી ૬૦ વર્ષથી વધારે ઉંમરના પ્રથમ લાભાર્થી બન્યાં છે. સચ્ચિદાનંદ સ્વામીની ઉંમર ૮૯ વર્ષ છે. જાહેર સમુદાય માટે પ્રેરણાં પૂરી પાડનાર અને કોવિડ-૧૯ રસી પ્રત્યેના અભિગમને પ્રોત્સાહન આપતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતની કોવિડ-૧૯ની રસી વિશ્વમાં માન્યતા ધરાવે છે અને સૌ માટે વિશ્વસનીય છે.

ત્રીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવશે?

• ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે.

• ૪૫ વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતાં લોકોને રસી આપી શકશે.

• સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

• ગંભીર બીમારી ધરાવતાં લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે.

• કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે.

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા

• રસીના એક ડોઝ માટે ૨૫૦ રૂપિયા લેવામાં આવશે.

• એમાં રૂ.૧૫૦ રસીના અને ૧૦૦ સર્વિસ ચાર્જ થશે.

• સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.