અરવલ્લી,,તા.૨ 

ચોમાસાની સીઝન શરુ થતાની સાથે સાપ કરડવાની ઘટનાઓમાં દરવર્ષે વધારો થતો હોય છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ શરુ થતાની સાથે ઠેર ઠેર સરીસૃપ પ્રાણીઓ દરમાંથી બહાર નીકળી રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા જીવદયા પ્રેમીઓ સાપ પકડી જંગલમાં મૂકી આવતા હોય છે. મોડાસા તાલુકાના નવા-કોલીખડ ગામે ૬૫ વર્ષીય વૃદ્ધાને ઘરમાં ઘુસી આવેલા સાપે ડંખ મારતા કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. સર્પ દંશની ઘટનાથી પરિવારજનો ફફડી ઉઠતા જીવદયા પ્રેમી યુવાનોને જાણ કરતાં જીવદયા પ્રેમી યુવકોએ કાળમુખા સાપને મહામહેનતે ઘરમાથી પકડી પાડી જંગલોમાં સુરક્ષિત છોડી દીધો હતો. નવા-કોલીખડ ગામે પરિવાર સાથે રહેતા શાંતાબેન રામસિંહ ચૌહાણ (ઉં.વર્ષ-૬૫) નામના વૃદ્ધાંને ઘરકામ દરમિયાન શનિવારે બપોરે ઘરમાં ઘુસી આવેલા સાપ કરડતા વૃદ્ધાએ ચીસાચીસ કરી મુકતા પરિવારજનો દોડી આવ્યા હતા વૃદ્ધાને ઝેરની અસર થતા તાબડતોડ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.