સ્કૂલ-કોલેજોની સત્રની ફી માફ કરવાની માંગ સાથે કલેકટરાલયમાં ઘંટનાદ કરાયો
10, ઓક્ટોબર 2020

વડોદરા,તા. ૯ 

સ્કૂલ-કોલેજોની એક સત્રની ફી માફ કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઘંટનાદ કરીને સરકારને જગાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. શાળાઓ પણ બંધ છે, ત્યારે સરકાર દ્વારા શાળા-કોલેજોની એક સત્રની ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આજે વડોદરા ખાતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા કલેક્ટર કચેરી ખાતે શાળા-કોલેજોની એક સત્રની ફી માફ કરવાની માંગણી સાથે થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એનએસયુઆઇના કાર્યકરો જોડાયા હતા. અને થાળીઓ વગાડી નિંદ્રાધિન સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો બેનર્સ અને પોસ્ટર્સ સાથે ઘંટનાદના કાર્યક્રમમાં જોડાયા હતા અને શાળા-કોલેજોની એક સત્રની ફી માફ કરવાની માંગણી કરી હતી.એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. કોરોનાના કારણે શાળા-કોલેજો પણ બંધ રહી છે. ત્યારે સરકાર દ્વારા એક સત્રની ફી માફ કરવા અમારી માંગણી છે. એનએસયુઆઇ દ્વારા અગાઉ વિવિધ કાર્યક્રમો સાથે ફી બાબતે આંદોલન કરવામાં આવ્યા છે. આજે કલેક્ટર કચેરી ખાતે ઘંટનાદ કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ પછી પણ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution