વડોદરા-

શહેરના સાવલીના ગોઠડા ગામ નજીક એક કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેને પગલે કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થયા બાદ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. પોલીસે સાવલી-વડોદરા સુધીનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. આગ લાગવાથી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ આગમાં દાઝ્યા છે. જેમાંથી 4 કર્મચારીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. તો 2 કર્મચારીઓને સાવલીમાં જ સારવાર અપાઈ રહી છે.  

ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા ધૂમાડાને પગલે આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા અને આજુબાજુનાં લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબુમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. આ કંપની વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે શિવમ કંપની અને તે સાવલીના ગોઠડા ગામે આવેલી છે.