રાજકોટ-

સૌરાષ્ટ્ર કચ્છને આગામી સમયમાં મોટી ભેટ મળવા જઈ રહી છે. દુનિયાના ડેરી બિઝનેસમાં પોતાનો અને સાથે સાથે ગુજરાતનો ડંકો વગાડનારી અમૂલ રાજકોટમાં પોતાનો ડેરી પ્લાન્ટ સ્થાપશે. આ માટે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં ૧૦૦ એકર જમીન પસંદ કરવાામાં આવી છે. આ જગ્યાને અમૂલ બ્રાન્ડનું પ્રોડક્શન કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને પ્લાન્ટ સેટ અપ કરવ માટે ટોકન ભાવે આપવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાપવાનો ર્નિણય જીસીએમએમએફ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦માં પોતાની બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.

ડેરી દ્વારા પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર પાસે જમીન ટોકન દરે આપવા માટે માગણી કરવામાં આવી હતી. રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા ૫૦ લાખ લીટર ડૈઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રતિ દિવસ ૩૦ લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે. રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે 'અમે ફેડરેશનને આપવા માટેની જમીનની ઓળખ કરી લીધી છે. જે રાજકોટ અમદાવાદ હાઈવે પર શહેરના બહારના વિસ્તારમાં આનંદપર-નવાગામ વિસ્તારમાં છે. જાે આ જગ્યાએ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવશે તો તેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે ખૂબ સારા સમાચાર બની રહેશે.