પલસાણા, પલસાણા તાલુકાના સાંકિ ગામ ખાતે શુભવિલા સોસાયટીમાં રહેતા રાજા મિશ્રા અને તેનાં પિત્રાઈ ભાઈ પિયુષ કુમાર બન્ને સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ (નં. જી.જે.૧૯.એ.જે.૩૪૮૩) લઈ સુરત ખાતે આવેલ સરદાર માર્કેટ તરફ ધંધા અર્થે જતા હતા ત્યારે કડોદરા-સુરત રોડ પરથી પસાર થતી વેળાએ કડોદરા ગબ્બર માતાનાં મંદિર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓએ ટક્કર મારતા બન્ને ફંગોટાઈ ગયા હતા. ટેમ્પો ચાલક ભાગવા જતા ટેમ્પોનું ટાયર રાજા મિશ્રાનાં પેટ પરથી ફરી જતા તેને ગંભીર ઈજાઓ થતા બંને ભાઈઓને નજીકની સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માત સર્જાતા અજાણ્યો વાહન ચાલાક ભાગી છૂટ્યો હતો. બન્ને પૈકી પિયુષની હાલત અતિ ગંભીર હોવાથી તેને સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજાને પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ કડોદરા પોલીસને થતા તેને ટેમ્પો ચાલકની શોધ શરૂ કરતાં ગણત્રીનાં કલાકોમાં જ ટેમ્પો (નં. જી.જે.૦૫.એ.ટી.૧૯૯૩) નો હોવાની ખાત્રી કરી તેને તેનાં ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.