પાટણ : શંખેશ્વરના પંચાસરથી મૂતૃજાનગર રોડ પર માર્ગ અને મકાન વિભાગની મિલીભગતથી હલકી ગુણવત્તાવાળો પુલ બનાવવામાં આવ્યો હોવાથી એક વર્ષમાં જ પુલ તૂટી ગયો છે. પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઇ છે ત્યારે આ પુલ પરથી વાહન ચલાવવુ જોખમ રૂપ બનતા વાહનચાલકોને બાજુમાં કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે ત્યારે આઅ અંગે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવા અને કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે બાંધકામ સમિતિની બેઠકમાં સદસ્ય શંકરભાઈ કટારીયા દ્વારા રજૂઆત કરતાં આ અંગે ઠરાવ કરવાનો ર્નિણય લેવાયો છે. શંખેશ્વરના પંચાસરથી મૂતૃજાનગર રોડ પર અંદાજે રૂ. એક કરોડના ખર્ચે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવ્યો છે. તેને હજુ માંડ એકાદ વર્ષ થયું છે. ત્યાં પુલ તૂટી ગયો છે. આ રોડ પર ભારે વાહનોની અવર જવર નથી તેમજ ખૂબ ઓછા વાહનોની અવરજવર રહે છે. છતાં એક વર્ષમાં જ પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઈ છે. પુલ પરથી વાહન લઇને પસાર થવું જોખમ કારક હોવાથી વાહનચાલકો બાજુના કાચા રસ્તા પરથી પસાર થાય છે, કાચા રસ્તા પર જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયત ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં જવાબદારો સામે પગલાં લેવા અને કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સમિતિના સદસ્ય શંકરભાઈ કટારીયા દ્વારા રજૂઆત કરવામાં આવતા આ બાબતે ઠરાવ કરવાનો ર્નિણય કરાયો છે.