ગોધરા, કોરોના મહામારી સમયે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના લાભાર્થે ગોધરાના અભરામ પટેલના મુવાડા ખાતેથી રાશન અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ૧૦,૦૦૦ કીટના જથ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ ગોધરા ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ધ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૪થી વધુ ટ્રકોમાં આ જથ્થો દરેક તાલુકામથકે પહોંચાડી માનદ વેતન, અંશકાલીન વેતન મેળવતા કે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને વિતરીત કરાશે. ૧૪૦૦ આશાવર્કરો, નગરપાલિકાના ૮૫૦ સફાઈ કર્મચારીઓ, ૨૦૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ, ૧૮૦૦ જેવા હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો સહિત જરૂરતમંદ ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા અનસ્ટોપેબલના સહયોગથી ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા કોરોના સેવાયજ્ઞ અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાનું જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ત્રીજા ચરણ અંતર્ગત પંચમહાલના કોરોના કર્મીઓ માટે ૧૦,૦૦૦ કીટનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યપાલ એ શરૂ કરેલા કોરોના સેવાયજ્ઞને ઉમદા અભિયાન તરીકે પ્રશંસા કરતા ધારાસભ્ય એ જણાવ્યું હતું કે દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની કાળજી રાખવામાં પાછા નહીં પડે તેવો ભાવ અને દિશા આ અભિયાનની છે. દરેક કીટમાં ૧૪ કિલો રાશન કે જેમાં ૫ કિલો લોટ, ૫ કિલો ચોખા, ૨ કિલો ચણા દાળ, ૫૦૦ ગ્રામ ઈમ્યુનિટી બૂસ્ટર તેમજ હળવો નાસ્તો સામેલ છે. આ ઉપરાંત ૨ કિલો ખાદ્ય તેલ પણ આપવામાં આવશે.