ઇસ્લામાબાદ-

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના વડા પ્રધાન રાજા ફારૂક પર પાકિસ્તાનની સૈન્યની ટીકા કરવી ભારે પડી ગઇ છે. પાકિસ્તાન સરકારે કથિત પીઓકે વડા પ્રધાન રાજા ફારૂક સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના સહયોગથી પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઈમરાન સરકારના આ કામની વિરોધી પક્ષો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. બીજી તરફ, ઇમરાને દાવો કર્યો છે કે તેમને આ એફઆઈઆર વિશે કોઈ જાણકારી નહોતી. આ પહેલા પાકિસ્તાન સૈન્યની પોલ ખોલી રહેલા નવાઝ શરીફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર નવાઝ શરીફ વિરુદ્ધ લાહોરમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે નવાઝ શરીફે લંડનમાં દાહક ભાષણો કરીને પાકિસ્તાનની પ્રતિષ્ઠિત સંસ્થાઓ વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.

એફઆઈઆરમાં જણાવાયું છે કે નવાઝ શરીફના આ ભાષણોનો ઉદ્દેશ પાકિસ્તાનને ગુંડાગીરી રાજ્ય જાહેર કરવાનું છે. એક દિવસ અગાઉ નવાઝ શરીફના જમાઈ કેપ્ટન (નિવૃત્ત) મુહમ્મદ સફદર સામે દેશદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર દેશ અને સંસ્થાઓ સામે લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો.