બારબંકી-

જિલ્લામાં આયોજિત એક જનસભામાં કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના આરોપમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને કાર્યક્રમ આયોજક મંડળની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દરિયાબાદથી ભાજપના ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માની ફરિયાદ પર નગર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના નગર કોતવાલીના મોહલ્લા કટરા ચંદનામાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના કાર્યક્રમમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા ઘણી મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી. આ સાથે જ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી પરવાનગીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ના તો કોઈપણ દ્વારા માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો અને ના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું. આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારી વાતો કહી.

ઓવૈસીએ કહ્યું કે, રામસનેહીઘાટમાં વહીવટીતંત્ર દ્વારા 100 વર્ષ જૂની મસ્જિદ તોડાવવામાં આવી તથા તેનો કાટમાળ પણ ત્યાંથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યો. આ ભાષણ દ્વારા એક ખાસ સમુદાયને ભડકાવવાનો અને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કેપ્ટન યમુના પ્રસાદે જણાવ્યું કે, ઓવૈસી દ્વારા પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ અભદ્ર તેમજ પાયાવિહોણી ટિપ્પણી કરવામાં આવી. ઓવૈસી તેમજ આયોજક મંડળ દ્વારા આયોજનની શરતોનું તેમજ કોવિડના પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન અને કોમી સંવાદિતાને બગાડવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરિયાબાદના ભાજપના ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માએ આ બાબતે અધિક મુખ્ય સચિવ ગૃહ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કેપ્ટનને લેખિત ફરિયાદ કરી હતી અને FIR નોંધવાની માંગ કરી હતી, ત્યારબાદ નગર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેપ્ટન યમુના પ્રસાદે જણાવ્યું હતું કે, AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને નગર કોતવાલીમાં કાર્યક્રમના આયોજક મંડળ સામે કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.