વડોદરા, તા.૧૭

દેશના રેલવે નકશામાં સૌથી વ્યસ્ત રૃટ મુંબઇ – દિલ્હી વચ્ચે ટ્રેનોની હવે ઝડપ વધશે. વડોદરા યાર્ડ ખાતે સી અને ડી કેબિનને ભેળવી દેવામાં આવ્યા છે. જેના દ્વારા રિમોડલિંગની કામગીરી પૂર્ણ થતાં આ ઝડપ વધશે.

ડીઆરએમે એક ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. વડોદરા રેલવે સ્ટેશનના ઉત્તર તરફ આવેલા રેલવે યાર્ડમાં લાઇનની સેગ્રિગેશનની કામગીરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે. રેલવેના સુપર ક્રિટિકલ કહેવાતા પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ આ હતો.

રેલવેના વેસ્ટર્ન ઝોન દ્વારા સેન્ટ્રલાઇઝ્‌ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ સિસ્ટમ ગત તા.૧૩મીએ કાર્યરત થઇ હતી. વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર અશોક કંસલે વડોદરાના ડીઆરએમ અમિત ગુપ્તાને આ કામગીરી અંગે અભિનંદન આપ્યા હતા. યાર્ડના રિમોડલિંગના પગલે હવે અમદાવાદ અને રતલામ તરફના રેલ ટ્રાફિકને જુદો પાડી શકાશે. ૧૩મીએ નોન ઇન્ટરલોકિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રિમોડલિંગ કામગીરી દરમિયાન ઉત્તર તરફની ત્રણ લુપ લાઇનને સિગ્નલ પુરા પાડવામાં આવ્યા છે.

જેના પગલે દિલ્હી તરફની સેવાની નિયમિતતા વદશે. એક લાઇન ગુડ્‌સ માટે અને બે લાઇન રેલવે ટ્રેન માટે રાખવામાં આવી છે. આ યાર્ડમાં ૮ સ્થાયી નિયંત્રણો પણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાત ૬૬ જૂના પોઇન્ટ દૂર કરવામાં આવ્યા છે અને ૩૨ નવા પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના પગલે આ લાઇન પર વારંવાર મેઇન્ટેનન્સ કરવું નહિ પડે. બે ડાયમંડ પોઇન્ટ પણ દૂર કરવામાં આવ્યા છે. રિમોંડલિંગ દરમિયાન ૩૨૫ કિમી નવા કેબલ નાંખવામાં આવ્યા હતા. ૨૩૫ રૃટ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ કાર્યરત કરવામાં આવ્યા છે.

૩૫ મેઇન અને ૩૫ શન્ટ સિગ્નલ પણ કાર્યરત થયા છે. ૬૭ પોઇન્ટ મશીન સ્થાપવામાં આવ્યા છે અને ૧૧૫ ટ્રેક સર્કિટ નાંખવામાં આવી છે.

રિમોડલિંગના પગલે હવે રતલામ તરફ એક્સિડન્ટ રિલિફ ટ્રેન સીધી જ મોકલી શકાશે. યાર્ડમાં એક સેન્ટ્રલાઇઝ્‌ડ ઓપરેશનલ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે, જે એનએચઆરસીએલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલની પેટર્ન ઉપર બનાવવામાં આવ્યું છે અને યાર્ડની માહિતી ૧૮૦ ડિગ્રી મળતી રહે છે.