માંડવી, માંડવી તાલુકાનાં વરજાખણ ગામે ટ્રક ચાલકની બેદરકારીએ એક ૬ વર્ષનાં બાળકનો જીવ લીધો. માંડવી નગરમાં જે.પી.નગર ખાતે રહેતા સુનિલભાઈ હરિલાલ ગુપ્તા (ઉં.વ. ૩૫) પોતાની પત્ની તારાબેન, પુત્રી શિવાની (ઉં.વ. ૮) અને પુત્ર યુવરાજ (ઉં.વ. ૬) સાથે પોતાની સ્પ્લેન્ડર બાઇક (નં. જી.જે.૧૯.એ.ઇ.૪૦૨૭) લઈ મઢી મુકામે જતા હતા. ત્યારે તેઓએ વરજાખણ પાટીએ પોતાની બાઇક ઉભી રાખી હતી. ત્યારે એકાએક પાછળથી આવતી ટાટા ટ્રક (નં. જી.જે.૦૨.ઝેડ.૮૬૯૨) નાં ચાલકે પોતાની ટ્રક બાઇકની પાછળ ઠોકતા સુનિલભાઈ, તેમની પત્ની અને પુત્રી માર્ગની બાજુમાં ફંગોટાઈ ગયા હતા. પરંતુ પુત્ર યુવરાજ માર્ગ પર પડી ગયો હતો. ટ્રક ચાલક દ્વારા ઉભા રહેવાને બદલે ટ્રક હંકારી કાઢતા ટ્રકનું પાછળનું પૈડું યુવરાજ પરથી પસાર થઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જ્યારે બાકીનાને ઓછી વધતી ઈજાઓ થતા. સારવાર હેઠળ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડા થોડા દિવસોનાં અંતરોમાંજ બેફામ ટ્રક ચાલકો દ્વારા કોઈ વાર ફૂટપાથ પર સુતેલા તો કોઈ વાર માર્ગની સાઈડ પર ઉભેલા વ્યક્તિઓને કચડી મુકાવાની ઘટનાઓ બનતી રહે છે.