જૂના પીપોદરા ગામની સીમમાં પ્રેમી પંખીડાની ઝાડ પર લટકતી લાશ મળી
17, સપ્ટેમ્બર 2020

અરવલ્લી/ બાયડ : બાયડ તાલુકાના પીપોદરા ગામનો યુવાન અને લહેરીપુરા ગામની યુવતી એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા. સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દે એવો અહેસાસ મહેશ ચતુરભાઈ પરમાર અને ભાવિક ઉર્ફે રીન્કુને અહેસાસ થતા બન્નેએ સાથે જીવી નહી શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો ર્નિણય લઇને ખેતરમાં જ ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લઇ બન્ને પ્રેમી યુગલે પ્રેમનો અંત લાવી દીધો હતો. બાયડ પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાયડ નજીક આવેલા પીપોદરા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. પીપોદરા ગામના મહેશ ચતુરભાઈ પરમારને લહેરીપુરા ગામની ૧૮ વર્ષીય યુવતી સાથે આંખ મળી જતા એકબીજાના પ્રેમમાં અંધ બન્યા હતા. પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી બંને પોતાના ઘરે થી નીકળી ગયા હતા. બંનેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં જૂના પીપોદરા ગામની સીમમાં ખેતર નજીક વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તપાસ કરતાં બંને દોરડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ભરતભાઈ પરમારે બાયડ પોલીસ મથકે બનાવની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution