દિલ્હી-

અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં મહિલાઓને ડરાવીને જરૂર ન હોય છતાં તેમની સર્જરી કરી નાખનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર જાવેદ પરવેઝને 465 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અમેરિકી કોર્ટે એ આક્ષેપ બહાલ રાખ્યો હતો કે સાવ ખોટા અને બનાવટી બિલો બનાવીને ડૉક્ટર પરવેઝે સરકારી વીમા કંપનીએા પાસેથી લાખ્ખો ડૉલર્સ વસૂલ કર્યા હતા. 2010 પછી તો તેમની કારકિર્દી એવી ધમધોકાર ચાલી હતી કે એમને માથું ઊંચું કરવાની ય ફુરસદ રહી નહોતી. કોર્ટે એ આક્ષેપ પણ સ્વીકાર્યો હતો કે ડૉક્ટર પરવેઝે જરૂર ન હોય એવા કિસ્સામાં પણ મહિલાઓને પ્રસુતિ માટે સર્જરી કરાવવાની ફરજ પાડી હતી અને પરિવાર નિયોજન માટે જરૂરી નિયમોનો છડેચોક ભંગ કર્યો હતો. કેટલીક મહિલાઓને તેમણે એવો ડર દેખાડ્યો હતો કે સર્જરી નહીં કરાવો તો તમને ગર્ભાશયનું કેન્સર થઇ જવાની ભીતિ રહે છે.  

એફબીઆઇના નૉરફૉક ફિલ્ડ ઑફિસના પ્રવક્તા કાર્લ શૂમને કહ્યું હતું કે ડૉક્ટરનો વ્યવસાય કરનારા પોતાના પેશન્ટોને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં કરે એવા સોગંદ લેતાં હોય છે. પરંતુ આ ડૉક્ટરે સોગંદની ઐસી તૈસી કરીને તમામ ધારાધોરણોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.