વડોદરા : સાવલી તાલુકાના સમલાયા ખાતે આવેલા ઐાધોગિક વસાહતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બીડીઓ બનાવવાની ફેકટરી પર જિલ્લા પોલીસે દરોડો પાડી છુટ્ટક બીડીનો જથ્થો તેમજ બ્રાન્ડેડ બીડી કંપનીના લેબલો, બોક્સ અને સિક્કા સહિત ૩.૮૭ લાખથી વધુની મત્તા જપ્ત કરી મુખ્ય આરોપી સહિત બેની અટકાયત કરી હતી. 

સાવલી તાલુકાના સમલાયા ગામની સીમમાં કેઈસી કંપનીની બાજુમાં આવેલા શેડમાં ઈશ્વર પુરોહિત નામનો શખ્સ સસ્તા દરની છુટ્ટક બીડીઓનો જંગી જથ્થો લાવીને મજુરો મારફત બ્રાન્ડેડ બીડી કંપનીના નામે નકલી બીડીઓ બનાવવાની ફેકટરી ચલાવતો હોવાની જિલ્લા એસઓજી પોલીસની ટીમને માહિતી મળી હતી. આ માહિતીના પગલે આજે પીઆઈ પી વી પરગડુ સહિતની ટીમે ઉક્ત ફેકટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન શેડમાં ઈશ્વર દોલજીભાઈ પુરોહિત (હાલ.રાધેશ્યામ સોસાયટી, સ્ટેશનરોડ, સાવલી. મુળ રહે. પઉ ગામ, જી.બારમેડ, રાજસ્થાન) તથા રંગુભાઈ રઈજીભાઈ પઢિયાર (ઈન્દિરા કોલોની, તા.આંકલાવ, આણંદ) છુટ્ટીછવાઈ બીડીઓનું બ્રાન્ડેડ બીડી કંપનીના લેબલો લગાડી બોક્સમાં પેકિંગ કરતા રંગે હાથ ઝડપાયા હતા.

પોલીસે શેડમાં તપાસ કરીને લાકડાના બે સ્ટેન્ડમાં ભરેલો છુટ્ટી બીડીઓના લેબલ વગરના બોક્સ, નકલી બંડલ બનાવવા માટે કાઢેલી છુટ્ટીછવાઈ બીડીનો જથ્થો, ડાયમન્ડ પેસ્ટનું પેકેટ, કાતર, ચપ્પુઓ, સેલોટેપના બન્ડલ તેમજ સસ્તાદરની છુટ્ટી બીડીઓ લાવીને તૈયાર કરેલા રાજકમલ, સ્પેશયલ ટેલિફોન, દેસાઈ દત્ત, લંગર કંપનીની બીડીના બંડલો અને બોક્સ, બ્રાન્ડેડ બીડી કંપનીના લેબલો અને અલગ અલગ માર્કાના સિક્કા મળી આવ્યા હતા. નકલી બીડીઓ બનાવવાની ફેકટરી ચલાવતા ઝડપાયેલા સંચાલક ઈશ્વર પુરોહિત અને મજુર રંગુભાઈ પઢિયારની પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી તેઓની પાસેથી ૩,૮૭,૩૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.