અમદાવાદ-

નરોડા હંસપુરા બસ સ્ટેન્ડ પાસે લોકોનો તોડ કરવા માટે અને લોકોમાં રોફ જમાવવા માટે પોલીસની ખોટી ઓળખ આપીને પોલીસની વર્ધી પહેરી ફરતા શખ્સને નરોડા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સૈજપુર બોઘા પાસે રહેતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એએમપટેલ તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન તેમને બાતમી મળી હતી કે, હંસપુરા બસ સ્ટેન્ડ પાસે એક યુવક પોતે પોલીસ હોવાનું જણાવીને પોલીસની વર્ધી પહેરી લોકોમાં રોફ જમાવી રહ્યો છે અને લોકોને ડરાવીને તોડ પાણી કરી રહ્યો છે. જેના આધારે પોલીસના સ્ટાફે તે જગ્યાએ પહોંચી આ શખ્સને ઝડપી પાડ્યો હતો. જો કે તે પોતે પોલીસ હોવાની જાણ કરતો હતો. તેનું નામ મિહીર મોદી નેમ પ્લેટ પરથી જાણવા મળ્યું હતું. જેથી પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, લોકોમાં રોફ જમાવવા માટે પોલીસની વર્ધી પહેરીને ખોટી પોલીસની ઓળખાણ આપીને રોફ જમાવી તોડપાણી કરતો હતો. જેથી નરોડા પોલીસે મિહીર મોદીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી પુછપરછ હાથધરી છે.