મહેસાણા-

સામાન્ય રીતે આપણે દીકરીને ઘરની લક્ષ્મી માનતા હોઇએ છીએ પરંતુ હજી પણ એવી માનસિકતાવાળા લોકો છે જે દીકરીને હજી ભાર માને છે. બજી એવા વિચારોવાળા લોકો છે જેને પુત્રનો મોહ છે. ત્યારે મહેસાણાના કડીમાં એક રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના છે. જ્યાં એક પરિવારે ૩૨ દિવસની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. નાનકડી આ દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ડૉક્ટરોની પેનલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જે બાદ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જાેઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું. આ ઘટના આશરે એક વર્ષ પહેલાની છે. આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું ૨૨-૧૨ -૨૦૧૯ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને પેનલમાં અમદાવાદ ખાતે પીએમ કરાવવામાં આવ્યુ હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નીપજાવવાની હકીકત બહાર આવી. જેથી આ અંગે ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાળકીની માતા, પિતા, દાદા, દાદી સામે કરવામાં આવી છે. તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક ધોરણે જાેતા એક દીકરી હોવાથી બીજી દીકરીની હત્યા કરી હોવાનું જણાય છે. પરંતુ આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે. પોલીસ દ્વારા આ ફરિયાદ ગઇકાલે રાતે નોંધવામાં આવી હતી. આજે એટલે રવિવારે પણ આ પરિવાર ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે.