વડોદરા

 વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી માં આવેલી શ્રીજી અગરબત્તીની ફેકટરીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જ્યારે મકરપુરા જી.આઈ.ડી.સી ફાયર બ્રિગેડમાં આગની જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોચ્યા ત્યારે તેમણે આગનું ભયાનક રૂપ જોતાની સાથે જ મેજર કોલ ડીકલેર કરી દીધો હતો. તેથી સમગ્ર વડોદરાના બધાજ ફાયર સ્ટેશનોથી 15 ફાયર ફાઈટરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યા મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી, કહેવામાં આવે છે કે જી.આઈ.ડી.સીમાં આવેલી ફેકટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસરોની સાથે લગભગ 35 થી વધુ જવાનો કામે લાગ્યા છે.

ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે આગ લાગવાનો મેસેજ મળતા મકરપુરા જી.આઈ.ડી.સી ની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ત્યારે જી.આઈ.ડી.સી માં 730 નંબરના પ્લોટમાં આવેલી પૂજા એન્જીનીયરીંગ કંપનીમાં આગ લાગી હતી જે પ્રસરીને બાજુમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસમાં ફેલાઈ ગઈ હતી, અગરબત્તી ની ફેક્ટરી હોવાના કારણે આગે થોડી જ વારમાં એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ભયાનક આગના કારણે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવા શરુ થઈ ગયા હતા, કેટલાય દુરથી આકાશમાં કાળા વાદળો જોઈ શકાતા હતા, ભયાનક આગના કારણે જી.આઈ.ડી.સી માં અફરાતફરી નો માહોલ સર્જાઈ ગયો હતો, કહેવામાં આવે છે કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ફોમ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.