21, માર્ચ 2021
દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘાટી ફળિયા ડુંગરાળ જંગલ વિસ્તારમાં ગઈકાલે લાગેલ આગની રાખ પણ હજી ઠંડી થઇ નથી. ત્યાં તો આજે દેવગઢબારિયા નગરની મધ્યમાં આવેલ ખડાયતા પંચની વાડીમાં અચાનક આગ ફાટી નીકળતા દેવગઢબારિયા ફાયર બ્રિગેડે આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવતા આસપાસના મકાનોમાં રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. દેવગઢબારિયા નગરની મધ્યમાં આવેલી ખડાયતા પંચનીવાડી હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. જેમાં ફાયર સેફ્ટીની કોઈ કોઈ સુવિધા જ નથી તેમજ આ જર્જરિત વાડી ને અડીને કેટલાય મકાનો આવેલા છે આ જર્જરિત વાડીમાં આજરોજ અચાનક આગ લાગતા આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટયા હતા અને તેઓએ તાબડતોબ આગ અંગેની જાણ દેવગઢબારિયા ફાયર સ્ટેશનને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ફાયર ફાઈટર સાથે દોડી આવી પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવતા આસપાસના મકાનોમાં રહેતા લોકોએ એક રાહતનો શ્વાસ લીધો હતો.