વડોદરા : વડોદરા શહેરમાં પાલિકાની ચૂંટણીઓના રાજકીય તમાશાઓ અને ધાર્મિક કાર્યક્રમોના તમાશાઓ કર્યા પછીથી હવે ઘોડો છૂટી ગયા પછીથી તબેલાને તાળું મારવાને માટે નીકળેલા પાલિકા તંત્રએ પોલીસના રુઆબની ઓથમાં નિર્દોષોને રંજાડીને દંડની વસુલાત કરતા ઠેરઠેર વિરોધના સુર ઉઠવા પામ્યા છે. તેમ છતાં ધાકધમકી દ્વારા પોલીસને સાથે રાખીને એનો ભરપૂર ઉપયોગ કરીને પ્રજાના ખિસ્સાઓ હળવા કરવા સામે આક્રોશ ફેલાયો છે. આ રીતે પાલિકા તંત્ર દ્વારા અડધા લાખ ઉપરાંત રૂપિયા ૫૫,૮૦૦ના દંડની વસુલાત કરવામાં આવી છે. કોરોનાની મહામારી દિવસે દિવસે વધતા જતા બનાવોને લઈને પાલિકા તંત્ર દ્વારા ૧૫ માર્ચથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અન્ય કોઈ સૂચનાઓ મળે નહીં કે પછીથી જ્યાં સુધી કોરોનાનો કહેર કાબુમાં આવે નહીં ત્યાં સુધી અભિયાન જારી રહેશે. નેતાઓના સમારોહમાં અને તાયફાઓમાં ઉમટેલી ભીડ નરી આંખે જાેવા છતાં આંખ આડા કાન કરીને નેતાઓ સામે તાળીઓ પાડનાર સમગ્ર પોલીસ અને પાલિકા સહીતનું તંત્ર પાડાના વાંકે પખાલીને ડામ દેવા નીકળ્યું છે.ત્યારે એની સામે આક્રોશની લાગણી જાેવા મળી રહી છે.તેમજ પહેલા આ સ્થિતિને પુનઃ જીવીત કરનાર આવા નેતાઓ સામે પગલાં લો અને ત્યારબાદ નિર્દોષ પ્રજાને રંજાડીને દંડકીય કાર્યવાહી કરો એવી માગ આમ પ્રજામાં ઉઠવા પામી છે.વડોદરા શહેરમાં નાગરિકો અને વેપારીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનની બાબત ધ્યાને આવતા મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે અધિકારીઓની ખાસ જાેઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ-જેટની રચના કરવામાં આવી છે, આ ટીમો દ્વારા પાલિકાના બારે બાર વહીવટી વોર્ડના વિવિધ સ્થળોએ ચેકીંગ દરમિયાન કોવિડ–૧૯ની ગાઇડલાઇનનું પાલન થતુ ન હોવાને કારણે જાહેર આરોગ્યના હિતમાં તેમજ માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૂ.૫૫,૮૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોરના ૩૦૪ વાહનો અને ૧૧૮ ઓપન સ્પોટ વ્હિકલ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ ૧,૦૦૮ સ્થળોએ સાફ-સફાઇ કરી ૧,૨૦૮ મે.ટન ધન કચરાને એકત્રીત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મહાનગર પાલિકાના ચારેય ઝોનમાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૫૯૫ કિલો મેલેથિયોન અને ૩,૨૬૦ કિલો ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા સવાર-સાંજ પેટ્રોલીંગ કરી નાગરિકો દ્વારા સોશીયલ ડિસ્ટન્સીંગનો હેતુ જળવાઇ તે બાબતની સમીક્ષા કરી તેનો અમલ ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.