રાજકોટ-

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગ દુર્ઘટનાઓની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ રાજ્યની ફાયર સેફ્ટીની નીતિ અંગે હવે આકરા પાણીએ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું ઓડિટ હાથ ધરાતા બહાર આવ્યું છે કે અમદાવાદ શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલ સહિત ૨૮૭ હોસ્પિટલો પાસે ફાયર એન.ઓ.સી. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી. જેથી કોર્પોરેશને આ હોસ્પિટલોને ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ સમયગાળામાં એન.ઓ.સી. નહીં લેવામાં આવે તો આ હોસ્પિલો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને બાદમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં કોવિડ દર્દીઓના મોત તેમજ કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગ દુર્ઘટનાના કારણે સુપ્રીમ કોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે અને હાઇકોર્ટમાં પણ આ અંગે સુનાવણી ચાલી રહી છે. જેથી હાથ ધરવામાં આવેલા ફાયર ઓડિટમાં બહાર આવ્યું છે કે અમદાવાદની ૨૮૬ ખાનગી હોસ્પિટલો અને સોલા સિવિલ હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. નથી તેમજ આગની દુર્ઘટનાનો સામનો કરવા માટેના પૂરતા ઉપકરણો અને વ્યવસ્થા પણ નથી. જે પૈકી સૌથી વધુ હોસ્પિટલો પશ્ચિમ વિસ્તારમાં છે.

આ હોસ્પિટલોમાં અત્યારે દર્દીઓ હોવાથી દર્દીઓ અને હોસ્પિટલની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે ફાયર એન.ઓ.સી. લેવા માટે હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં હોસ્પિટલો દ્વારા એન.ઓ.સી. સહિતની ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઉભી નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ હોસ્પિટલો નવાં દર્દીઓને દાખલ પણ નહીં કરી શકે.