વડોદરા, તા.૧૮ 

વડોદરા એરપોર્ટની બહાર થતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવશે તેમજ જાન્યુઆરીથી વડોદરાથી મુંબઈ અને દિલ્હીની વધુ ફલાઈટની સુવિધા મળે તે અંગેની ચર્ચા સાંસદ રંજનબેન ભટ્ટના અધ્યક્ષસ્થાને એરપોર્ટ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ ખાતે આજે સાંસદ રંજનબેન ભટ્ટના અધ્યક્ષસ્થને એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં એરપોર્ટ ડાયરેકટર ટી.કે.ગુપ્તા, સેના, પોલીસ વિભાગ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એરપોર્ટ અને એરપોર્ટ બહારની સુવિધાઓ અંગે ચર્ચા થઈ હતી.

જ્યારે કોરોનાના કારણે ફલાઈટ તેમજ મુસાફરોની સંખ્યા ઘટતાં એરપોર્ટના રેવન્યૂને પણ મોટી અસર પડી છે. પરંતુ દર બે મહિને મુસાફરોની સંખ્યા બમણી થઈ રહી હોવાનું તેમજ નવેમ્બર મહિનામાં વડોદરા એરપોર્ટથી ૩૬૦૦૦ મુસાફરોએ અવરજવર કહી હોવાનું જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે એરપોર્ટની બહાર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છ બ્રિજ બનાવાઈ રહ્યા છે. આ સાતમો બ્રિજ માણેકપાર્કથી એરપોર્ટ રોડ પર બનાવાશે. આ માટેનો રિપોર્ટ આવી ગયો છે. આગામી દિવસોમાં બ્રિજનો ડીવીઆર બનાવાશે, ઉપરાંત વડોદરા એપોર્ટ પર ઈમિગ્રેશન સેન્ટર અને દુબઈ, શારજાહ, સિંગાપોર જેવા સ્થળે ફલાઈટ શરૂ કરવા કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી છે. તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત એરપોર્ટ પર બની રહેલું નવું એટીસી બિલ્ડિંગ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી બની જશે તેમ કહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ હવે મુસાફરો સુરક્ષા અને તકેદારી સાથે વિમાની મુસાફરી કરી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.