પાટણ-

પાટણ અને મહેસાણા જિલ્લામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીનાં સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આ ચોરીઓનો ભેદ ઉકેલવા માટે પાટણ એલસીબી અને જિલ્લાની વિવિધ પોલીસ ટીમ ના માણસો એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કામે લાગ્યા હતા. ત્યારે ઘર ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરી કરનાર 4 ઇસમોને પોલીસે ઝડપી લઇ તેઓની સઘન પૂછપરછ કરતા આ ઘટનાને અંજામ આપવામાં 13 માણસોની ગેંગ હોવાનું સામે આવ્યું હતું. આ ગેંગ દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા, સેલાવી, વસાઈપુરા, સિધ્ધપુર તાલુકાના કનેસરા અને સરસ્વતી તાલુકાના કોટાવડ તથા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ટુંડાવ,વિજાપુર અને વડનગર તાલુકાના વિવિધ ગામોમાં નવ ઘરફોડ ચોરી અને પાંચ મંદિર ચોરી કરી અંદાજે ૨૫ લાખથી વધુની રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ ગેંગના અન્ય 9 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિર ચોરીને અંજામ આપતી તસ્કર ગેંગ બે ભાગમાં વહેંચાઇ હતી. જેમાંથી એક ટીમ માત્ર મંદિરોમાં ચોરી કરતી હતી અને ચોરીનો હિસ્સો અન્ય ટીમને પણ આપતી હતી. વધુમાં સરસ્વતી તાલુકાનાં કોટાવડ ગામમાં થયેલ ચાર મંદિર ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. કોટાવડ ગામમાં આ ગેંગના છગનજી ઠાકોર કે જે મંદિર ચોરીમાં કુખ્યાત છે તેણે ચાર લોકોની મદદથી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની સાથેસાથે ગેંગનાં અન્ય સભ્યોને પકડવાની તજવીજ હાથ ધરી છે.