ભાવનગર, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી ૧.૬ કિમી. દૂર, તળાજાથી ૨૦ કિમી. અને ભાવનગરથી ૫૦ કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જાેડાયેલું છે. મિરાતે અહમદીમાં સોરઠ(સૌરાષ્ટ્ર)ના બંદર તરીકે તથા દસ્તૂર-અલ-અમલ (મહેસૂલી દફતર)માં પણ તેનો બંદર તરીકે ઉલ્લેખ છે. તાજેતરનાં વર્ષોમાં તે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું બનેલું છે. દુનિયામાં જાપાન, તાઇવાન અને કોરિયામાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ સારી રીતે ચાલે છે. ભારતમાં આ ઉદ્યોગની શરૂઆત ૧૯૭૦માં મુંબઈ ખાતે થયેલી. ૧૯૭૩, ૧૯૭૮ અને ૧૯૮૧-૮૨માં અનુક્રમે ૨૬,૦૦૦; ૮૨,૦૦૦ અને ૧.૨૮ લાખ ટનનાં જહાજાે ભંગાયાં હતાં. હૂંડિયામણની મુશ્કેલીને લીધે ૧૯૮૩માં માત્ર ૨૫ જહાજાે જ ભંગાયેલાં. મુંબઈમાં ત્રણ લાખ ટન જહાજાે ભાંગવાની ક્ષમતા ધરાવતું માત્ર એક જ કારખાનું હતું. ૧૯૮૧માં ગુજરાત રાજ્યના તત્કાલીન નાણામંત્રી સનત મહેતાને સૌરાષ્ટ્રના સાગરકાંઠે આ ઉદ્યોગ સ્થાપવાની અનુકૂળતાનો ખ્યાલ આવ્યો. તેમના પ્રમુખપણા નીચે મહેતા, ઘોષ અને જાેષીની સમિતિ ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવી અને ૧૯૮૨ના ચોથા ચરણ દરમિયાન વાંસી બોરસી (નવસારી), પોરબંદર, સચાણા (જામનગર), માંડવી (કચ્છ) અને અલંગની મુલાકાત લેવાઈ. તે પૈકી અલંગ પર પસંદગી ઊતરી અને ૧૯૮૨ના અંતે અલંગને વિકસાવવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ ગાળા દરમ્યાન ઘડતર લોખંડ તથા પોલાદની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો. હતો. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ ‘ધ ડેડિયેર’ નામના એક જહાજે અલંગના દરિયાકાંઠે લંગર નાખ્યું અને અહીં જમાનાથી ઉજ્જડ પડેલી દરિયાકાંઠાની જમીન પર આ ઉદ્યોગનો પ્રારંભ થયો. અલંગને પસંદ કરવા માટે શાંત દરિયો, સાનુકૂળ ભરતી, કિનારા નજીક ઊંડું પાણી વગેરે જેવી બાબતો લક્ષમાં લેવામાં આવેલી છે. અહીં ભાંગવાનાં જહાજાેને છેક દરિયાકાંઠા સુધી લાવી શકાય છે અને તેની બંને બાજુ કામ કરી શકાય છે. અલંગ ખાતે જમીન પર જહાજ

ભાંગી ભંગાર છૂટો પાડવાનું કામ ચાલે છે. વળી અહીં વાવાઝોડાં તથા ઝડપી સમુદ્રપ્રવાહનો ભય રહેતો નથી. બંદર નજીક કાટમાળને રાખવા તથા વર્ગીકરણ માટે પુષ્કળ ખુલ્લી જમીન છે. જહાજને લંગર નાખી પડી રહેવા માટે મોટું બારું પણ છે.સ્ટીલના કારખાનામાં ઉત્પન્ન થતા એક ટન જેટલા સ્ટીલના ગઠ્ઠા માટે ૪૫૦ કિવો. વીજળીની જરૂર પડે છે, જ્યારે ભંગારમાંથી બનાવાતા સ્ટીલ માટે ૧૧૦થી ૧૧૫ કિવો. વીજળી વપરાય છે. આમ, વીજળીની બચત થાય છે અને એકંદર ખર્ચ ઓછો આવે છે. રી-રોલિંગ મિલો ગોળ સળિયા, વળવાળા સળિયા, હળવાં માળખાં, ઍંગલો, સેક્શન પટ્ટીઓ, તાર વગેરે તૈયાર કરે છે.

૧૯૬૬થી ૧૯૭૮ના ગાળા દરમ્યાન સંગઠિત ક્ષેત્રે આવેલી રી-રોલિંગ મિલોનો વાર્ષિક વૃદ્ધિદર માત્ર ૪% હતો, જ્યારે ભંગાર વાપરતી રી-રોલિંગ મિલોમાં ઉત્પાદનવૃદ્ધિનો દર ૨૦% હતો. એક ટન ભંગાર મેળવવા માટે ૬ માનવશ્રમ-દિવસોની જરૂર પડે છે. પાંચ લાખ ટન ભંગાર મેળવવા ૩૦ લાખ માનવશ્રમ-દિવસોની રોજગારી ઊભી થાય છે. ૧,૦૦૦ લોકો એક વર્ષ સુધી રી-રોલિંગ મિલમાં રોજી મેળવી શકે છે. આ ઉપરાંત રી-રોલિંગ મિલો દ્વારા ૧૫,૦૦૦ માણસોને રોજી મળી શકે.