12, જુલાઈ 2025
1782 |
સુરત, સુરત શહેરનાં મોટા વરાછા સ્થિત સુમન અર્થઆવાસમાં રહેતા રત્નકલાકારે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતાં આર્થિક સંકડામણનાં કારણે રત્નકલાકારે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્વારા મળતા પહેલા લખાયેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે લઇ આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં આવેલા જુનાસાવર ગામના વતની હિતેશ મધુભાઈ દુધકીયા હાલમાં સુરત શહેરનાં મોટા વરાછા ખાતે સુમન અર્થઆવાસમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. તેઓ પોતે રત્નકલાકાર તરીકે હીરાનાં કારખાનામાં કામ કરી પત્ની આશા પુત્ર ઉત્સવ અને પુત્રી જેની સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હિતેશે આજે સવારે પોતાના ઘરનાં બેડરૂમમાં છતનાં પંખા સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનાં બનાવ અંગે ઉતરાયણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને હિતેશનાં ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આપઘાત પહેલા રત્નકલાકાર હિતેશે પોતાની સ્યુસાઇડ નોટમાં એવું લખ્યું છે કે હું ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો છું, એના માટે હું પોતે જવાબદાર છું. પરિવારને હેરાન કરવા નહીં, બા-બાપુજી, ભાઈ-ભાભી અને આશા તું ઉત્સવ અને જેનુંને સાચવજે, આઇ લવ યુ ઉત્સવ, આશા આઇ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું, આમને કોઈ સરકારી કર્મચારી હેરાન નહીં કરે, હું આર્થિક સંકડામણમાં પગલું ભરું છું. સ્યુસાઇડ નોટ આધારે પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.